ઘાટકોપર સ્ટેશન પર બનેલી આ ઘટનામાં તે વ્યક્તિ માનસિક રીતે અક્ષમ હોવાથી ટ્રેનમાંથી ઉતારી પૅન્ટ પહેરાવીને એક જગ્યાએ બેસાડી દેવામાં આવ્યો
AC ટ્રેનમાં નગ્ન માણસ ચડી આવતાં મહિલાઓએ બૂમાબૂમ મચાવી હતી.
સેન્ટ્રલ રેલવેની AC ટ્રેનમાં સોમવારે સાંજે એક નગ્ન માણસ ચડી જતાં મહિલા પૅસેન્જરોમાં બૂમાબૂમ મચી ગઈ હતી. જોકે એ પછી તે માણસને નીચે ઉતાર્યા બાદ ટ્રેન ચાલુ થઈ હતી. હોમગાર્ડ અને પોલીસને તે માણસ માનસિક રીતે અક્ષમ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોંકાવનારી બાબતનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં લોકોએ અલગ-અલગ પ્રતિભાવ આપ્યા હતા.
આ ઘટના ઘાટકોપર સ્ટેશન પર બની હતી. ટ્રેન ઊભી રહી ત્યારે દરવાજો ખૂલ્યા બાદ તે માણસ કોચમાં દોડતો આવીને ચડી ગયો હતો અને દરવાજા પાસે જ ઊભો રહી ગયો હતો. નગ્ન માણસને જોઈને બાજુમાં જ મહિલાઓનો અલાયદો કમ્પાર્ટમેન્ટ હતો જ્યાં અનેક મહિલાઓ હતી તેમણે બૂમાબૂમ મચાવી દીધી હતી. તેમણે બૂમાબૂમ કરીને બાજુના કમ્પાર્ટમેન્ટના પુરુષોને જણાવ્યું હતું અને ચેઇન-પુલિંગ કરવા રિક્વેસ્ટ કરી હતી. કેટલીક મહિલાઓએ તેને નીચે ઉતારી દેવા કહ્યું હતું તો અન્ય એક મહિલાએ ટિકિટ કલેક્ટરને બોલાવવા કહ્યું હતું. AC ટ્રેનમાં ટિકિટ કલેક્ટર હોવાથી તેઓ આવી પહોંચ્યા હતા અને તેમણે તે માણસને ટ્રેનમાંથી ઉતારી દીધો હતો. એ પછી ટ્રેન આગળ નીકળી ગઈ હતી.