વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બોલાવેલી બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
બોરીવલી વેસ્ટના શિંપોલીમાં ખોદાયેલો રસ્તો. (તસવીર : નિમેશ દવે)
મુંબઈમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. એને કારણે મુંબઈગરાઓને બહુ જ તકલીફ થઈ રહી છે, પણ વિકાસના કામને લઈને કોઈ એની ફરિયાદ નથી કરી રહ્યું. જોકે ૩૧ મે પહેલાં કામ પૂરું કરવાનું હોવાથી આ કામની ક્વૉલિટીને લઈને બધાના મનમાં શંકા છે. આ મુદ્દા પર સોમવારે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે એક ખાસ બેઠક બોલાવી હતી જેમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને આદિત્ય ઠાકરેનો આમનો-સામનો થયો હતો. મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર-કમ-ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણી પણ આ મીટિંગમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ૩૧ મે સુધીમાં રસ્તાનાં કામ પૂરાં કરવા માટે જરૂર પડે તો મિલિટરીના એન્જિનિયરોની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સિવાય હવે પછી નવા કોઈ રસ્તા ખોદવામાં નહીં આવે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. રસ્તાનું કામ ક્યાં પહોંચ્યું એનો રિવ્યુ કરવા એપ્રિલ મહિનાના અંતમાં ફરીથી એક બેઠક કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

