આવા છે ગુજરાતીઓ : ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ગંગોત્રી પાસે ફસાયેલા મુંબઈના ગુજરાતીઓએ પોતાની જેમ ફસાયેલા ભૂખ્યા-તરસ્યા લોકોને પોતાની પાસેના અનાજમાંથી ખીચડી બનાવીને ખવડાવી
ગંગોત્રી પાસે વરસાદને કારણે વાહનોની લાંબી કતારોમાં અટવાયેલા મુસાફરોને મુંબઈના ગ્રુપે પોતાની પાસેના અનાજની ખીચડી બનાવીને ખવડાવી હતી.
ઉત્તરાખંડમાં મૂશળધાર વરસાદ બાદ થયેલી તબાહીના કારણે રસ્તાઓ બંધ થતાં મુંબઈ, ગુજરાત સહિત દેશભરમાંથી ચારધામ યાત્રાએ ગયેલા અનેક મુસાફરો ફસાઈ ગયા છે. જોકે આવી મુસીબતની પળોમાં પણ મુંબઈના ગુજરાતીઓએ માનવતા મહેંકી ઊઠે એવું કામ કર્યું છે. મુંબઈનાં વિવિધ પરાંઓમાંથી ગયેલા ગુજરાતીઓનું બાવીસ જણનું ગ્રુપ ગંગોત્રી જવાનો રસ્તો બંધ કરી દેવાયો હોવાથી રસ્તા પર જ કલાકો સુધી અટવાઈ ગયું હતું. આ રસ્તો પહાડી રસ્તો હોવાથી આખા રસ્તા પર કોઈ પણ હોટેલ કે અન્ય સુવિધાઓ મળતી નથી. રસ્તો બંધ થઈ જતાં રસ્તા પર ૪૦૦થી ૫૦૦ વાહનો એકસાથે લાંબી કતારોમાં ઊભાં હતાં. કલાકોથી અટવાયેલા લોકો પાસે ખાવા-પીવાના વાંધા થઈ જતાં ભૂખ્યા-તરસ્યા હતા. એથી મુંબઈના આ ગ્રુપે માનવતા દાખવી અને પોતાની પાસે રહેલાં બધાં જ અનાજમાંથી ખીચડી બનાવી ત્યાં ભૂખ્યા રહેલા લોકોને ખીચડી ખવડાવી હતી. આ નિર્ણય લેતી વખતે તેમણે એ પણ ન વિચાર્યું કે બધું અનાજ ખીચડીમાં વાપરી નાખીશું તો આગળ આપણને જરૂર પડશે ત્યારે શું થશે?
બોરીવલી-વેસ્ટના ગોરાઈ નંબર-૧માં રહેતા અને બીએમસીના ‘ડી’ વૉર્ડમાં કામ કરતાં જય ખુમાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને જાત્રા કરવા અને લોકોને જાત્રા કરાવવાનો ખૂબ શોખ છે. આ જ કારણસર મેં ચારધામની યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં પનવેલ, મહાલક્ષ્મી, બોરીવલી, વિરારથી ૧૬ અને પાંચ કિચન સંભાળનારા એમ અમે ૨૧ જણનું ગ્રુપ તૈયાર કર્યું હતું. ૧૩ ઑક્ટોબરના બાંદરા ટર્મિનસથી બપોરે ૧૨.૪૫ વાગ્યે ટ્રેન પકડીને અમે હરિદ્વાર આવ્યા હતા. ૧૪ ઑક્ટોબરના ગંગાનાં દર્શન કરીને ગંગા આરતીમાં જોડાયા અને ત્યાંની હોટેલમાં સ્ટે કર્યું હતું. ૧૫ ઑક્ટોબરના ચારધામ યાત્રા શરૂ કરી અને યમનોત્રીમાં કોઈ પણ તકલીફ વગર અમે દર્શન કર્યાં હતાં. ૧૬ ઑક્ટોબરનાં યમના મૈયાનાં દર્શન કરીને ૧૭ ઑક્ટોબરના સવારે પાંચ વાગ્યે ૬ કલાકનો પ્રવાસ કરીને ગંગોત્રી જવા નીકળ્યા હતા.’
પહાડી રસ્તા પર વાહનોની લાંબી કતારો જોઈને હેરાન થઈ જવાય, એમ કહેતાં જયે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘યમનોત્રીથી ગંગોત્રી જવા નીકળ્યા અને અધવચ્ચે જ અટવાઈ ગયા હતા. એથી અમે એ દિવસ, ૧૮ ઑક્ટોબર એમ બે દિવસ હોટેલમાં અટવાઈને રહ્યા. વરસાદ તો ગંગોત્રીના ભાગમાં બંધ થઈ ગયો હોવાથી અમે લોકો ગઈ કાલે નીકળ્યા હતા, પરંતુ ત્યાં રસ્તા પર બ્રિજની પાસે રસ્તો આખો તૂટી ગયો હતો. ત્યાં ખૂબ નુકસાન થયું હોવાથી રસ્તો બંધ કરી દેવાયો હતો. જેસીબી મશીન દ્વારા પથ્થરો ને અન્ય કાટમાળ દૂર કરાઈ રહ્યો હોવાથી અને આવવા-જવા વન-વે હોવાથી લોકો કલાકોથી રસ્તા પર અટવાયેલા હતા. અમે પણ તેમની જેમ રસ્તાની વચ્ચે અટવાઈ ગયા હતા. લોકોની સાથે તેમનાં નાનાં બાળકો પણ હતાં. અમે તો બધા કંટાળીને રસ્તાની બાજુમાં ચટાઈ પાથરીને સૂઈ ગયા હતા.’
લોકો ખાધા વગરના હેરાન થતા હતા, એમ કહેતાં જયે જણાવ્યું કે ‘ગંગોત્રી જવા લોકો ત્યાંની હોટેલ બુક કરતા હોય છે, પરંતુ ત્યાં જવાનો જ રસ્તો બંધ થઈ જતા અને વાહનોની લાંબી લાઇન હોવાથી લોકો કલાકોથી હેરાન થઈ રહ્યા હતા અને તેમની પાસે જમવાની વ્યવસ્થા નહોતી. અમારી સાથે અમે કિચન રાખ્યું હોવાથી જેટલા રાઇસ હતા એ બધાની ખીચડી અમે બનાવી નાખી હતી. એ બાદ લોકોને બોલાવી-બોલાવીને જમવાનું આપતાં મુસાફરો ખૂબ ખુશ થઈ ગયા હતા. અમે સાંજે હોટેલ જવા નીકળ્યા હતા. કોઈ કહે છે કે ચારધામ યાત્રા બંધ કરાવી છે તો કોઈ કંઈ બીજું કહે છે. આગળ હવે શું કરવું એ સમજાતું નથી.’
મહિલા મુસાફરોને વધુ હેરાનગતિ થઈ, એમ કહેતાં જયે કહ્યું કે અમે જે રસ્તા પર હતા એ પહાડી રસ્તો હોવાથી ત્યાં આસપાસ ટૉઇલેટની કોઈ વ્યવસ્થા નહોતી. એથી મહિલાઓને બહુ જ તકલીફ થઈ હતી.