ત્રણ શાળાના લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો
બોરડીની ગુજરાતી શાળાની તસવીર
મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ૧૯ જુલાઈ ૨૦૨૨ના દહાણુની ત્રણ શાળાઓમાં લેખનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમાં બે ગુજરાતી શાળાઓ અને એક આદિવાસી શાળાનો સમાવેશ થાય છે. ત્રણ શાળાના લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો હતો.
મુંબઈ ગુજરાતી દ્વારા દર વસરની જેમ યોજાયેલ આ ઉપક્રમમાં દહાણુની વકીલ મોડેલ ગુજરાતી શાળાના ૩૫૯ વિદ્યાર્થીઓ, દહાણુની કૈનાડ પ્રભૂપાડા શાળાના ૮૪ વિદ્યાર્થીઓ અને બોરડીની ગુજરાતી શાળાના ૬૪ વિદ્યાર્થીઓને પાટી, પેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી અને નોટબુક જેવી વિવિધ લેખનસામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ADVERTISEMENT
આ સંદર્ભે વાત કરતાં મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશ મહેતાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “દહાણુ જેવા આદિવાસી વિસ્તારમાં પણ માતૃભાષાની ઘણી બધી શાળાઓ છે અને ત્યાં સુધી મદદ પહોંચે તે હેતુ સાથે સંગઠને ત્રણ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવાની પહેલ કરી છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ કાર્ય સતત ચાલી રહ્યું છે, જેમાં દર વર્ષે અમે વધુ શાળાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ. જો આ પહેલમાં સમાજના વધુ લોકો જોડાશે તો અચૂક વધુ વિદ્યાર્થીઓને આ મદદ આપી શકાશે.”
ઉલ્લેખનીય છે કે મુંબઈ ગુજરાતી સંગઠન છેલ્લાં ૧૧ વર્ષથી મહારાષ્ટ્રમાં માતૃભાષાની શાળાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરી રહ્યું છે.