કોવિડ સેન્ટરમાં મહિલાઓની સુરક્ષા માટે માર્ગદર્શિકા બનાવવામાં આવશે
અજિત પવાર
ઔરંગાબાદમાં કોવિડ કૅર સેન્ટરમાં સારવાર માટે દાખલ થયેલી મહિલાનો ડૉક્ટર દ્વારા જ વિનયભંગ થયાની ઘટના વિધાનસભાના હાલના બજેટસત્રમાં પણ ચર્ચાઈ હતી. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ બાબતને ગંભીર ગણાવતાં કહ્યું હતું કે ‘ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે કોવિડ કૅર સેન્ટર્સમાં મહિલાઓની સુરક્ષા સંદર્ભે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી) ઘડી કાઢવામાં આવશે. આ મહિનાના અંત સુધીમાં એ તૈયાર કરી લેવાશે અને એ પછી અમલમાં લવાશે જે દરેક કોવિડ કૅર સેન્ટરમાં ફૉલો કરવામાં આવશે.’
ઔરંગાબાદના પદમપુરામાં રહેતી એક મહિલા ત્યાંના સ્થાનિક કોવિડ કૅર સેન્ટરમાં સારવાર માટે દાખલ થઈ હતી. તેણે એવી ફરિયાદ કરી હતી કે કોવિડ કૅર સેન્ટરમાં કાર્યરત ડૉક્ટર તેને ફોન કરીને હેરાન કરતો હતો એટલું જ નહીં, બુધવારે વહેલી સવારે એ ડૉક્ટરે તેનો વિનયભંગ પણ કર્યો હતો.
ADVERTISEMENT
અજિત પવારે કહ્યું છે કે ‘પ્રાથમિક તપાસ મુજબ મહિલાએ કરેલી ફરિયાદમાં તથ્ય હોવાનું જણાઈ આવ્યું છે. આરોપી ડૉક્ટર સામે પગલાં લઈને તેને બરતરફ કરવામાં આવ્યો છે તેમ જ આ કેસ સંદર્ભે ઝીણવટભરી તપાસ કરવાનો આદેશ અપાયો છે.’

