મુંબઈ : જૈનો ખુશ, દિવાળીમાં વધુ પાંચ દેરાસર ખોલવાની છૂટ
દાદરના જ્ઞાન મંદિરમાં ગઈ કાલે મર્યાદિત સંખ્યામાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને દર્શન કરી રહેલા ભાવિકો
મુંબઈ હાઈ કોર્ટે મુંબઈનાં વધુ પાંચ દેરાસરો ખોલવાની પરવાનગી આપી હતી. આ પહેલાં દિવાળીના તહેવારોમાં ગઈ કાલથી લાભ પાંચમ સુધી મુંબઈનાં બે દેરાસરોને ખોલવાની હાઈ કોર્ટે પરવાનગી આપી હતી, એમાં બીજાં પાંચ દેરાસરોનો વધારો થયો હતો. આને કારણે જૈન સમાજમાં ખુશી તો વ્યાપી હતી. હા, હજી વધુ દેરાસર ખોલાયાં હોત તો તેમને વધુ આનંદ થયો હોત.
દાદરના આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર ટ્રસ્ટ, દાદરના શ્રી ટીએકેએલ જ્ઞાન મંદિર ટ્રસ્ટ અને ભાયખલાના શેઠ મોતીશા રિલિજિયસ ઍન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી ઍડ્વોકેટ કેવલ્ય પી. શાહે દિવાળીના તહેવારોના પાંચ દિવસ મુંબઈનાં ૧૦૨થી વધુ દેરાસરોમાં દર્શન અને પૂજાસેવા કરવા દેવાની માગણી કરતી એક અરજી મુંબઈ હાઈ કોર્ટમાં કરી હતી. જોકે સરકારના ઍડ્વોકેટ જનરલના સખત વિરોધ વચ્ચે હાઈ કોર્ટે જે ટ્રસ્ટો દ્વારા કોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી એ ભાયખલાના મોતીશા જૈન દેરાસર અને દાદરના જ્ઞાન મંદિરને દિવાળીના તહેવારોમાં શરતો અને નિયમો સાથે ખોલવાની મંગળવારે મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
સરકારના ઍડ્વોકેટ જનરલે એ સમયે જ કોર્ટમાં કહ્યું હતું કે આ બે દેરાસરો સિવાય જે દેરાસરોના ટ્રસ્ટોએ દિવાળીના તહેવારોમાં દેરાસર ખોલવાની પરવાનગી જોઈતી હોય તેઓ તેમની અલગ રિટ પિટિશન કોર્ટમાં ફાઇલ કરે તો તેમને મંજૂરી આપવાનો વિચાર કરવામાં આવશે.
કોર્ટના આ આદેશને પગલે મુંબઈનાં બીજાં પાંચ ટ્રસ્ટ્રો દ્વારા હાઈ કોર્ટમાં દેરાસર ખોલવા માટે અરજી કરવામાં આવી હતી, જેને પરિણામે ભુલેશ્વરના પાંજરાપોળમાં આવેલા લાલબાગ જૈન દેરાસર, વાલકેશ્વરના ચંદનબાળા જૈન દેરાસર, મુંબઈ સેન્ટ્રલના કોઠારી હાઈટ્સમાં આવેલા જૈન દેરાસર, કામાઠીપુરાના દેવળ ભવનમાં આવેલા જૈન દેરાસર તથા તાડદેવની અરવિંદ કુંજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરોને કોર્ટ તરફથી ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

