મુંબઈ : કપડાં સૂકવવાના નામે ટેરેસ પર ગયેલી ટીનેજરે કર્યું સુસાઇડ
પ્રતીકાત્મક તસવીર
દાદરના પ્રભાદેવીમાં રહેતી અને દસમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની ટીનેજરે બહુમાળી ઇમારતની અગાસી પરથી ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હોવાની ઘટના શનિવારે બનતાં આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
આ ટીનેજર પહેલાં સોસાયટીના ચૅરમૅનના ઘરે ગઈ હતી અને અગાસીની ચાવી માગી હતી. તેને પૂછવામાં આવ્યું કે તારે શા માટે અગાસીમાં જવું છે? તો તેણે કહ્યું હતું કે મારે કપડાં સૂકવવા જવું છે. એથી તેને ચાવી આપવામાં આવી હતી. જોકે થોડી વાર બાદ તેણે અગાસી પરથી નીચે ઝંપલાવી દેતાં હોબાળો મચી ગયો હતો. તરત જ દાદર પોલીસને આ વિશે જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને તરત જ પોલીસ તેને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી, પણ ડૉક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરી હતી. તેની પાસેથી કોઈ સુસાઇડ-નોટ મળી આવી નથી એથી તેણે આવું અંતિમ પગલું શા માટે લીધું એ જાણી શકાયું નથી.
ADVERTISEMENT
દાદર પોલીસે ત્યાર બાદ તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધ્યો હતો. તેના પરિવારના સભ્યો અને પાડોશીઓને પૂછીને ટીનેજરે આ પગલું શા માટે લીધું એ જાણવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે.

