મુંબઈ: હવેથી ટ્રેન કેમ અટકી છે એની માહિતી પળભરમાં મળી જશે
ચોમાસામાં પ્રવાસીઓ લાંબા સમય સુધી ટ્રેનમાં ફસાયેલા હોય ત્યારે આ સંદેશ-વ્યવહાર મહત્ત્વનો સાબિત થશે.
પશ્ચિમ રેલવેની તમામ ૧૦૦ ટ્રેન નવી કમ્યુનિકેશન સિસ્ટમ પર લાઇવ જતાં હવે પ્રવાસીઓ ટ્રેન મોડી પડવા કે ટ્રૅક સંબંધી દુર્ઘટના વિશે રિયલ ટાઇમમાં જાણી શકશે.
કૅમેરા અને માઇક્રોફોનનું સંયોજન ધરાવતી ટેટ્રા આધારિત મોબાઇલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન પશ્ચિમ રેલવેના કન્ટ્રોલ-રૂમમાંથી ઑપરેટ થશે. આ સિસ્ટમ ૯૦ દિવસ સુધી ડિજિટલ ડેટા રેકૉર્ડ કરી શકશે.
ADVERTISEMENT
આ ઉચ્ચ સ્તરીય મૉનિટરિંગથી જોકે મોટરમેનો ખુશ નથી. તેમનું માનવું છે કે આનાથી તેમની નાનામાં નાની બાબતો પર ધ્યાન રખાશે. મોટરમેનો આ વ્યવસ્થાને અયોગ્ય લેખાવે છે, તો વળી રેલવે અધિકારીઓના મતે આ સિસ્ટમથી લાંબા ગાળે કમ્યુનિકેશન સિસ્ટમ સુધરશે.
અગાઉ મોટરમૅન અને સ્ટેશન-માસ્ટર વચ્ચે કમ્યુનિકેશન થતું હતું, જેઓ ટ્રેનની સ્થિતિ વિશે સેન્ટ્રલ કન્ટ્રોલ-રૂમને માહિતી આપતા હતા, પરંતુ હવે કમ્યુનિકેશનના નવા માધ્યમને પગલે મોટરમૅન રેલવે-સ્ટેશનના સ્ટાફને બદલે સીધો કન્ટ્રોલ-રૂમનો સંપર્ક કરી શકશે, જે વધુ ઝડપી તેમ જ રિયલ ટાઇમ કમ્યુનિકેશન હશે એમ પશ્ચિમ રેલવેના જનરલ મૅનેજર એ. કાંસલે જણાવ્યું હતું.
ચોમાસા દરમ્યાન તેમ જ મુસાફરો લાંબો સમય ટ્રેનમાં ફસાયેલા રહે છે ત્યારે કમ્યુનિકેશન અને ચેતવણી અત્યંત જરૂરી હોય છે. અનેક વેળા એવું બન્યું છે કે ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બચાવવા રેલવેએ નૅશનલ ડિઝૅસ્ટર ફોર્સની મદદ લીધી છે એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમુક વિસ્તારોમાં સિગ્નલ ડાઉન જતા રહેતા હોવાથી મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરવો એ અંતિમ ઉપાય નથી.

