આમ છતાં વર્ટેક્સ બિલ્ડિંગની આગમાં ત્રણ ફ્લોરના ૬ ફ્લૅટ બળીને ખાખ : સિલિન્ડર બ્લાસ્ટ અથવા તો શૉર્ટ-સર્કિટને લીધે આગ લાગી હોવાની શક્યતા : કોઈ ઈજાગ્રસ્ત નથી
કલ્યાણની વર્ટેક્સ સોસાયટીમાં ગઈ કાલે આગ લાગી હતી
કલ્યાણ-વેસ્ટની આધારવાડીમાં આવેલા વર્ટેક્સ બિલ્ડિંગના પંદરમા માળે આવેલા હોટેલિયર સંતોષ શેટ્ટીના ફ્લૅટમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યે આગ લાગી હતી. આ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે ‘કલ્યાણમાં મોટા-મોટા ટાવર્સ બની રહ્યા છે, પણ ફાયર-બ્રિગેડ પાસે પચીસ માળ સુધી પહોંચી શકે એવી કોઈ સ્નૉર્કલ લૅડરની સુવિધા નથી. આમ છતાં ગઈ કાલે પંચાવન મીટરની મેકૅનિકલ લૅડર સાથે વૅન આવી હતી, પણ એ કટોકટીના સમયે જ બંધ પડી જતાં આગ વિકરાળ બની ગઈ હતી અને એને કારણે રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. જોકે સોસાયટીનાં ફાયર-ઇક્વિપમેન્ટ્સ ચાલતાં હોવાથી આગ બુઝાવવામાં ફાયર-બ્રિગેડને સફળતા મળી હતી. નવાઈની વાત એ છે કે કલ્યાણમાં અત્યારે આ જ કૉમ્પ્લેક્સમાં ૬૫ માળનું બિલ્ડિંગ પ્લાનમાં છે. જે સોસાયટીમાં આગ લાગી હતી એ સોસાયટીમાં બિલ્ડિંગ ૧૭ માળનું છે. નસીબજોગે ગઈ કાલની આગમાં કોઈને ઈજા થઈ નહોતી.’
શું બન્યું હતું?
ADVERTISEMENT
આગની માહિતી આપતાં આ સોસાયટીના ૧૪મા માળે રહેતા રાકેશ મુથ્થાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ૬ વાગ્યે અમારી સોસાયટીના પંદરમા માળના ફ્લૅટમાં આગ લાગી હતી. એનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી, પણ સિલિન્ડર-બ્લાસ્ટ અથવા તો શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. આગ લાગ્યા પછી અંદાજે ૬.૩૦ વાગ્યે કલ્યાણ અને ડોમ્બિવલીની ફાયર-બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી, પરંતુ તેમની પાસે સ્નૉર્કલ લૅડરની સુવિધા નહોતી એટલું જ નહીં, તેમની પાસે જે સુવિધા હતી એ પણ ફેલ્યર હોવાથી આગ પંદરમા માળેથી સોળમા માળના ડૉ. સુમિત શ્રીવાસ્તવના ફ્લૅટ સુધી પહોંચી ગઈ હતી. એ પછી પણ નિયંત્રણમાં ન આવતાં આગની જ્વાળા સત્તરમા માળના ડૉ. નીતિન ઝબકના ફ્લૅટ સુધી પહોંચી ગઈ હતી. આ આગમાં ૧૫, ૧૬ અને ૧૭ માળના ૬ ફ્લૅટ આગમાં બળીને ખાખ થઈ ગયા છે. સોસાયટીનાં ફાયર-ઇક્વિપમેન્ટ બરાબર વર્ક કરતાં હોવાથી ત્રણ કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ હતી.’