Mumbai Fire: મુંબઈ ફાયર બ્રિગેડ જણાવે કે સવારે 4.35 વાગ્યે લાગેલી આ આગ પર 7.33 વાગ્યાની આસપાસ કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે
પ્રતીકાત્મક તસવીર
આજે સોમવારે વહેલી સવારે જ મુંબઈમાંથી ભયાવહ આગના સમાચાર (Mumbai Fire) સામે આવી રહ્યા છે. મુંબઈના વિદ્યાવિહાર વિસ્તારમાં એક સોસાયટીમાં આગ ભભૂકી ઊઠી હતી. આ આગમાં 43 વર્ષીય એક સુરક્ષા ગાર્ડનું મોત થયું છે.
મુંબઈ ફાયર બ્રિગેડ આ વિશે વધુ માહિતી આપતાં જણાવે છે કે આ આગ વહેલી સવારે 4.35 વાગ્યાની આસપાસ નાથાની રોડ પર આવેલ નીલકંઠ કિંગડમ કોમ્પ્લેક્સ ખાતેની તક્ષશિલા સોસાયટીમાં લાગી હતી. જે વિદ્યાવિહાર સ્ટેશનની સામે આવેલી છે. આ આગનું સ્વરૂપ લેવલ-2 સુધી સીમિત રહ્યું હતું.
પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે આ આગ પહેલા અને બીજા ફ્લોર પરના પાંચ ફ્લેટમાં ભભૂકી ઊઠી હતી. આ આગ (Mumbai Fire)ને કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, ઘરગથ્થુ વસ્તુઓ, લાકડાનું ફર્નિચર, એસી યુનિટ તેમ જ કપડાં વગેરેને નુકસાન પહોંચ્યું હતું.
ADVERTISEMENT
સોસાયટીના પ્રથમ અને બીજા ફ્લોરની લોબીમાં લાકડાનું ફિટિંગ, જૂતાની રેક અને ફર્નિચર સુધી આ આગ (Mumbai Fire) વિસ્તરી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ જણાવે કે સવારે 7.33 વાગ્યાની આસપાસ આ આગ પર કાબૂ મેળવી લેવામાં સફળતા મળી છે. આ ઘટનામાં 15થી 20 લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે સોસાયટીના બે સિક્યુરિટી ગાર્ડ્સ ગંભીર રીતે દાઝ્યા હતા.
રાજાવાડી હોસ્પિટલના તબીબી અધિકારીના જણાવ્યા અનુસાર ઉદય ગંગન જે સંપૂર્ણપણે દાઝી જવાને કારણે હોસ્પિટલમાં મૃત હાલતમાં લઈ આવવામાં આવ્યો હતો જ્યારે અન્ય ૫૨ વર્ષનો સિક્યુરિટી ગાર્ડ સભાજીત યાદવ ૨૫-૩૦ ટકા જેટલો દાઝી ગયો હતો. અત્યારે તેની હોસ્પિટલનાં ટ્રોમા વોર્ડમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
આમ, ભભૂકી ઉઠેલી આગે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશનની સાથે સાથે ઘરગથ્થુ વસ્તુઓ કે જેમાં લાકડાનું ફર્નિચર, એસી યુનિટ વગેરેને ખાખ કરી નાખ્યા છે. ખાસ કરીને પાંચ ફ્લેટમાં જેટલા પણ કપડાંલતા હતા તે પણ બળી ગયા છે.
તાજેતરમાં જ મુંબઈના અંધેરીની એક બિલ્ડિંગમાં પણ ભીષણ આગ ફાટી (Mumbai Fire) નીકળી હતી. જેમાં ચાર ફાયરમેન ઈજાગ્રસ્ત થયા હતા. મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારમાં ન્યૂ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ ચાર ફાયરમેન ઘાયલ થયા હતા, એમ નાગરિક અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું. મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારમાં ગિરિરાજ ઇન્ડસ્ટ્રીયલ નજીક મહાકાલી કેવ્સ રોડ પર શાંતિ નગર વિસ્તારમાં એક ગ્રાઉન્ડ પ્લસ બે માળની ઈમારતમાં આગ લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ-III (મેજર) તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. આગ ઇલેક્ટ્રિક વાયરિંગ અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન, પ્લાસ્ટિક, વાઇપર્સ, ફર્નિચર, પ્લાસ્ટિક શીટ્સ વગેરે સુધી મર્યાદિત હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને આંશિક રીતે ગ્રાઉન્ડ ફ્લોરની ટેરેસ સુધી વિસ્તરી હતી.

