કુર્લામાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પાંચ લાખ સ્ક્વેરફુટના વિસ્તારમાં ફેલાઈ : સ્ક્રૅપના નાના અને મોટા અનેક ગાળા બળીને ખાખ : ગોડાઉનમાં જ રહીને કામ કરતા મજૂરો બહાર દોડી ગયા એટલે બચી ગયા
પ્રતીકાત્મક તસવીર
કુર્લા-વેસ્ટમાં વાજિદ અલી કમ્પાઉન્ડમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ગઈ કાલે સવારે ૬ વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. પાંચ લાખ સ્ક્વેરફુટના જબ્બર મોટા વિસ્તારમાં આગ ફેલાઈ જતાં એની અંદર આવેલા સ્ક્રૅપના નાના-મોટા અનેક ગાળા બળીને ખાખ થઈ ગયા હતા.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર સવારે ૬ વાગ્યે આગ લાગી હતી. એ ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગારનાં પૂઠાં અને પ્લાસ્ટિકનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જેને કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ રૂપ પકડી લીધું હતું. આગ લાગ્યાની જાણ થતાં એ ગોડાઉનમાં જ રહીને કામ કરતા મજૂરો બહાર દોડી ગયા હતા એટલે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈના ઘાયલ થવાના પણ અહેવાલ નથી.
ADVERTISEMENT
આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાતી હતી. આગને કારણે મોટા પ્રમાણમાં ધુમાડો થવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ફાયર-ફાઇટિંગના આ ઑપરેશનમાં ફાયર-બ્રિગેડનાં ૧૧ ફાયર-એન્જિન, એક મિની વૉટર-ટેન્ડર, ૯ જમ્બો ટૅન્કર, ૧૧ ઍડ્વાન્સ વૉટર-ટેન્ડર અને ફાયર-બ્રિગેડનાં અન્ય વાહનો સામેલ થયાં હતાં.
BMCએ આગ વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ આગમાં ૫૦થી ૬૦ જેટલાં ગોડાઉનોના ગાળાઓમાં લોખંડનો ભંગાર, પ્લાસ્ટિક મટીરિયલ, અલગ-અલગ ટાઇપની મશીનરીનો ભંગાર, ઇલેક્ટ્રિક વાયરિંગ ભેગું કરાયું હતું એ બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. ઘણા ગાળા એવા હતા જેમાં અંદર માળિયાં બનાવીને ભંગારનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ સવારના ૬ વાગ્યે લાગેલી આગ પર આખરે ૧૧.૪૫ વાગ્યે કાબૂ મેળવીને એ ઓલવી નાખવામાં આવી હતી. જોકે એ પછી પણ લાંબો સમય સુધી કૂલિંગ ઑપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.’