ઉત્તર ભારતમાં હવામાનમાં થયેલા ફેરફારને લીધે મહારાષ્ટ્રના હવામાનમાં સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
હજી ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને હોળીને પચીસેક દિવસની વાર હોવા છતાં છેલ્લા અમુક દિવસથી મુંબઈમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મુંબઈગરા માટે મોકાણના સમાચાર એ છે કે આગામી દિવસોમાં પણ આ તાપમાનમાં કોઈ ફરક નથી પડવાનો. અત્યારે મુંબઈનું તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે છે. ગઈ કાલે સાંતાક્રુઝમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને રાતનું તાપમાન ૧૮થી ૨૦ ડિગ્રી વચ્ચે રહેતું હોવાથી વહેલી સવારે થોડી ઠંડકનો અહેસાસ થાય છે. ઉત્તર ભારતમાં હવામાનમાં થયેલા ફેરફારને લીધે મહારાષ્ટ્રના હવામાનમાં સામાન્ય કરતાં વધારે તાપમાન જોવા મળી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ ઉપરાંત સોલાપુર, પરભણી, અકોલા, નાગપુર, ચંદ્રપુર અને વર્ધામાં ૩૬ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું.

