ઐરોલીની સોસાયટીના છ લોકોના હૉસ્પિટલમાં બેડના અભાવે કોવિડમાં જીવ જતાં સોસાયટીએ થર્ડ વેવમાં દોડાદોડી ન કરવી પડે એ માટે કમ્યુનિટી હૉલમાં જ પાંચ વેન્ટિલેટર, પાંચ આઇસીયુ અને ૧૬ ઑક્સિજન બેડ સાથે હૉસ્પિટલ બનાવી દીધી
કોવિડ કૅર સેન્ટર તૈયાર થઈ ગયા બાદ રહેવાસીઓએ તેની મુલાકાત લઈને ફોટો પાડ્યા હતા.
કોરોનાને કારણે અનેક સોસાયટીઓએ તેમના રહેવાસીઓને આઇસોલેશનની સુવિધા મળી રહે એ માટે તેમના જ કૉમ્પ્લેક્સમાં કેટલાક બેડની સુવિધા સાથે દવા કે નાની મોટી ચીજવસ્તુઓ રાખવા ટેબલ, લાઇટ, પંખો અને બીજી સામાન્ય સુવિધાઓ સાથેનાં આઇસોલેશન સેન્ટર ઊભાં કર્યાં હતાં. જોકે નવી મુંબઈના ઐરોલીના સેક્ટર ૮-એમાં આવેલા યશ પૅરૅડાઇઝ કૉમ્પ્લેક્સના રહેવાસીઓએ તેમની જ સોસાયટીના કોરોનાના દરદીઓએ બેડ ન મળવાના કારણે જીવ ગુમાવવો પડ્યો હોવાથી અને હવે આવનારી સંભવિત થર્ડ વેવ બાળકો માટે જોખમી હોવાથી સાવચેતીનાં પગલાંરૂપે સોસાયટીના કમ્યુનિટી હૉલમાં જ વેન્ટિલેટર અને ઑક્સિજનની સુવિધા સાથે કુલ ૨૬ બેડનું કોવિડ કૅર સેન્ટર ઊભું કર્યું છે. ભલે આને કહીએ કૅર સેન્ટર પણ એ કોઇ હૉસ્પિટલથી કમ નથી. એમાં પાંચ વેન્ટિલેટર બેડ અને પાંચ આઇસીયુ બેડ તથા ૧૬ ઑક્સિજન બેડની ફૅસિલિટી ઊભી કરવામાં આવી છે જેથી કૉમ્પ્લેક્સના રહેવાસીઓએ ખરે સમયે દોડાદોડી ન કરવી પડે અને બેડ મળી રહે.
આ બાબતે માહિતી આપતાં સોસાયટીના સેક્રેટરી ભગવાન પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટીમાં કુલ ૪૭૭ ઑક્યુપન્ટ છે જેમાં ૫૦ જેટલી દુકાનો અને અન્ય ફ્લૅટનો સમાવેશ થાય છે. કોરોના થોડા વખત પહેલાં પીક પર હતો ત્યારે અમારી સોસાયટીના કેટલાક લોકોને બેડ નહોતા મળ્યા. એમાં પાંચથી છ જણનાં મોત થઈ ગયાં હતાં. એને કારણે લોકોમાં હતાશા હતી. વળી હવે થર્ડ વેવ આવવાની છે એમ સાંભળ્યું છે. એમાં પાછું બાળકોને એની વધુ અસર થઈ શકે એવી વાત બહાર આવી છે એટલે અમે કોઈ જોખમ લેવા માગતા નહોતા. નવી મુંબઈ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વિજય ચૌગુલે અમારી સોસાયટીમાં જ રહે છે અને તેઓ સોસાયટીના પ્રેસિડન્ટ છે. તેમની પાસે લોકો જતા અને કહેતા કે હૉસ્પિટલમાં બેડ મેળવી આપો. જોકે ખરેખર એ વખતે બહુ કફોડી પરિસ્થિતિ હતી. કોઈનાથી પણ બેડની વ્યવસ્થા નહોતી થતી. અમારી સોસાયટી ૨૦૧૦થી છે. અમે મહિને બે રૂપિયા પર સ્ક્વેર ફીટ મેઇન્ટેનન્સ લઇએ છીએ. છેલ્લાં દસ વર્ષથી કરકસર કરીને સોસાયટીએ ૩ કરોડ રૂપિયા જેટલી રકમ જમા કરી હતી. વળી અમારી પાસે કમ્યુનિટી હૉલ પણ હતો. એથી કમ્યુનિટી હૉલમાં જ કોવિડ કૅર સેન્ટર ઊભું કરવાનો નિર્ણય લીધો.’
ADVERTISEMENT
ભગવાન પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘ અમે એ માટે પહેલાં કમિટીમાં ઠરાવ પાસ કર્યો અને ત્યાર બાદ જનરલ બૉડીની વર્ચ્યુઅલ મીટિંગ લઈને બધાનો મત મેસેજ પર મગાવ્યો હતો અને ત્યાર બાદ કોવિડ સેન્ટર બનાવવાનું નક્કી થયું હતું. જોકે એ પછી પરવાનગીઓ લેવામાં થોડો સમય નીકળી ગયો. વળી કોવિડ સેન્ટર માટે કમ્યુનિટી હૉલમાં પણ કેટલાક ઇન્ટરનલ ફેરફાર કરી ફિટિંગ અને ફિક્સ્ચર કરવાં પડ્યાં. ત્યાર બાદ બધાં સાધનો વસાવવામાં આવ્યાં. અત્યાર સુધીમાં અંદાજે ૬૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. અમારી બાજુમાં જ અપોલો હૉસ્પિટલ આવેલી છે. એણે અમારા કોવિડ કૅર સેન્ટર માટે ૧૬ નર્સ અને ૬ ડૉક્ટર ફાળવ્યાં છે. એ માટે તેઓ મિનિમમ ચાર્જ કરશે. વિજય ચૌગુલેએ પણ એમનાથી બનતી બધી જ મદદ કરી અને તેમની સંકલ્પના ‘અમારી સોસાયટી, અમારી જવાબદારી’ અમલમાં મૂકી. હાલ કોરોનાના કેસ ન હોવાથી એ કોવિડ સેન્ટરમાં કોઈ દરદી નથી, પણ સોસાયટીના કોઈ પણ રહેવાસીને ખરા સમયે જરૂરી સુવિધા મળી રહે અને બેડ માટે દોડાદોડ ન કરવી પડે એ અમારું લક્ષ્ય સિદ્ધ થયું છે.’