મુંબઈ(Mumbai)ના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) માં નશામાં ધૂત વ્યક્તિએ કારને ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર લોકો ફંગોળાયા અને ગંભીર ઈજાનો ભોગ બન્યા. તેમજ ત્રણ વર્ષની બાળકી મોતને ભેટી..
પ્રતીકાત્મક તસવીર
ડ્રિંક એન્ડ ડ્રાઈવ હેઠળ કડક નિયમ હોવા છતાં નશો કરી વાહન ચલાવતા હોય છે અને અકસ્માતનો શિકાર બનતા હોય છે. તેમજ આવી ઘટનાઓ અન્ય લોકોનો પણ ભોગ લેતી હોય છે. તાજેતરમાં આવી જ એક ઘટના મુંબઈ(Mumbai)માં સામે આવી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે નશામાં ધૂત ડ્રાઈવરે તેનું વાહન કાર સાથે અથડાવી દેતાં અકસ્માત થયો હતો. જેમાં ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આરોપીએ ઓટો રિક્ષા સહિત અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી.
પોલીસ દ્વારા શેર કરાયેલી વિગતો મુજબ મૃતક સ્વાતિ ચૌધરી તેના કાકા ઓમ ચૌધરી અને તેના મિત્ર વિનોદ યાદવ સાથે હતી. તેઓ ખેરવાડી તરફ જઈ રહ્યા હતા. જે કાર સાથે ટક્કર થઈ તે એ કાફલાનો એક ભાગ હતો જેનો ઉપયોગ ભારત સરકારના ઉપક્રમે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા તેના કર્મચારીઓને આસપાસ લાવવા માટે કરવામાં આવતો હતો. યાદવ અને ઓમ બંને કંપની માટે કામ કરે છે અને તે આ કાર માટે ડ્રાઇવરો હાયર કરે છે.
ADVERTISEMENT
તેઓ સાંજના 5 વાગ્યે નાબાર્ડ જંકશન સિગ્નલ પર રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ટ્રાફિકની સાથે સામેથી એક પુરઝડપે કાર આવી અને તેમના વાહન સાથે અથડાઈ. આ ગોઝારા અકસ્માતમાં સ્વાતિ કારની વિન્ડશિલ્ડ તરફ ધકેલાય હતી અને તેને જીવલેણ ઈજાઓ થઈ હતી. ઘટનાના આરોપીની ઓળખ બાંદ્રાના રહેવાસી વિશ્વાસ અટ્ટવર (54) તરીકે થઈ હતી.
આ પણ વાંચો: કારનું ટાયર ફાટતાં થયેલા ગોઝારા અકસ્માતમાં ચારનાં મોત, એક ઘાયલ
ચૌધરી પરિવારના એક સંબંધીએ જણાવ્યું કે સ્વાતિને હોસ્પિટલમાં લઈ આવનાર લોકોએ તેમને કહ્યું કે ઘટના બન્યા બાદ તરત જ તેઓએ આરોપી ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢ્યો. તે પીધેલી હાલતમાં હતો અને ગાળો બોલતો હતો અને સીધો ઊભો પણ નહોતો રહી શકતો.
રાહદારીઓ સ્વાતિને નજીકની એશિયન હાર્ટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ તેણીનો જીવ બચાવી શકાયો નહીં. ૉ
ઘટનામાં યાદવને સ્ટિયરિંગ વ્હીલમાં ધકેલી દેવામાં આવ્યો હતો અને ચૌધરીને માથામાં ઈજાઓ થઈ હતી કારણ કે તે પણ ડેશબોર્ડ તરફ ફંગોળાયો હતો. આ બંને અને અન્ય કેટલાક ઘાયલોને કલિનાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આ ઘટના મામલે DCP ઝોન 9 દીક્ષિત ગેદામે જણાવ્યું હતું કે અકસ્માત સમયે આરોપી દારૂના નશામાં જોવા મળ્યો હતો અને તે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેણે એ વાતની પણ પુષ્ટિ કરી કે આરોપીને બુધવારે સાંજ સુધીમાં જામીન મળી ગયા હતા અને તે હવે પોલીસ કસ્ટડીમાં નથી. આ કેસમાં વધુ તપાસ હજુ ચાલુ છે, એમ તેમણે ઉમેર્યું હતું.