બૉલીવુડમાં ડ્રગ્સ : અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ એનસીબી સમક્ષ હાજર થઈ
અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૅબ્રિયેલા ગઈ કાલે તેના વકીલ સાથે એસીબીની બેલાર્ડ એસ્ટેટમાં આવેલી ઑફિસમાં પૂછપરછ માટે ગઈ હતી. તસવીર : સુરેશ કરકેરા
હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના પ્રસારની હાલમાં ચાલી રહેલી તપાસના ભાગરૂપે ગઈ કાલે અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૅબ્રિયેલા દમિત્રિયેડ્સ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) સમક્ષ હાજર થઈ હતી. ગૅબ્રિયેલા એનસીબીની બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઝોનલ ઑફિસમાં ગઈ કાલે બપોરે ૧૨ વાગ્યે પહોંચી ગઈ હતી. બૉલીવુડ ડ્રગ ઍબ્યુઝની તપાસના સિલસિલામાં ગયા સોમવારે અર્જુન રામપાલના ઘરમાં શોધખોળ કરવામાં આવી હતી. એનસીબીના અધિકારીઓએ સોમવારના સર્ચ ઑપરેશન પછી અર્જુન અને ગૅબ્રિયેલાને ગઈ જકાલે પૂછપરછ માટે હાજર થવાની સૂચના આપી હતી. જોકે ગઈ કાલે એકલી ગૅબ્રિયેલા પહોંચતાં અર્જુનને આજે બોલાવવાની શક્યતા માહિતગાર સૂત્રોએ દર્શાવી હતી.
સોમવારે અર્જુન રામપાલના ઘરે તપાસ દરમ્યાન લૅપટૉપ, ટૅબ્લેટ્સ અને મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યાં હતાં. અગાઉ ૧૦ ગ્રામ ગાંજા સાથે ફિલ્મનિર્માતા ફિરોઝ નડિયાદવાલાના જુહુના બંગલામાંથી ૧૦ ગ્રામ ગાંજો મળ્યા બાદ તેની પત્ની શબાના સઈદની ધરપકડ કર્યા બાદ અર્જુન રામપાલના ઘરે સર્ચ કરવામાં આવી હતી. ડ્રગ્સકેસમાં ગયા મહિને ગૅબ્રિયેલાના ભાઈ એગિસિલિઓસની લોનાવલામાં ધરપકડ કરવામાં આવી હતી.

