ખોદા પહાડ, નિકલા ચૂહા
નીતિન રાઉત
મહારાષ્ટ્રના ઊર્જા ખાતાના પ્રધાન નીતિન રાઉતે તેમની દિલ્હીની મુલાકાત વિશે અટકળોને રદિયો આપતાં ગઈ કાલે જણાવ્યું હતું કે ‘કેટલાક પ્રસાર માધ્યમોમાં જેની ચર્ચા ચાલે છે એવું કંઈ દિલ્હીમાં બન્યું નથી. તેઓ કહે છે એ પ્રમાણે મેં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દાની માગણી કૉન્ગ્રેસના ટોચના નેતૃત્વ સમક્ષ કરી નથી. હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મારા પુત્ર કુણાલના લગ્નમાં આવવાનું આમંત્રણ આપવા દિલ્હી ગયો હતો. હાઈ કમાન્ડ સમક્ષ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનપદ કે વિધાનસભાના સ્પીકરના હોદ્દા વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.’
મંગળવારે નીતિન રાઉતની દિલ્હીની મુલાકાત બાદ વિરોધાભાસી અહેવાલો વહેતા થયા હતા, કારણકે એ જ દિવસે કૉન્ગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલે પણ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા હતા. મંગળવારના કેટલાક અહેવાલોમાં નીતિન રાઉત તેમનું પ્રધાનપદ છીનવીને નાના પટોલેને સોંપવાની આશંકાથી ચિંતિત હોવાથી મોવડી મંડળને મનાવવા માટે દિલ્હી ગયા હોવાની ચર્ચા હતી. કેટલાક અહેવાલોમાં તેઓ નાયબ મુખ્ય પ્રધાનપદ કે સ્પીકરના હોદ્દાની માગણી કરવા માટે દિલ્હી ગયા હોવાની ચર્ચા હતી. એ બન્ને અહેવાલો અને ચર્ચાઓ આધારહીન અફવાઓ હોવાનું નીતિન રાઉતે જણાવ્યું હતું.
આધારભૂત માહિતી અનુસાર કૉન્ગ્રેસનું નેતૃત્વ વિધાનસભાના સ્પીકરનો હોદ્દો છોડવા ઇચ્છતું નથી અને એ હોદ્દા માટે વિધાનસભ્યો અમીન પટેલ, સંગ્રામ થોપટે અને સુરેશ વરપુડકરનાં નામ અગ્રેસર છે. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતી હોવાથી મુંબઈના ગુજરાતી વિધાનસભ્ય અમીન પટેલનું નામ હૉટ ફેવરિટ ગણાય છે. કૉન્ગ્રેસની પાતળી હાજરી ધરાવતા પશ્ચિમ મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ સંગ્રામ થોપટે કરે છે. મધ્ય મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતાં સુરેશ વરપુડકર વરિષ્ઠતાના જોર પર દાવો કરે છે. જોકે કૉન્ગ્રેસ માટે મુંબઈ મહાનગરપાલિકામાં શક્તિ વધારવાનો મુદ્દો પ્રાથમિકતા ધરાવતો હોવાનું નિશ્ચિત છે.

