સચિન વઝેની પૂછપરછ કરવા કસ્ટડી અનિવાર્ય : કોર્ટ
સચિન વઝે
મનસુખ હિરણ મર્ડરકેસમાં આરોપોનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ પોલીસ-ઑફિસર સચિન વઝેએ ધરપકડથી બચવા થાણેની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે, પણ શુક્રવારે એની સુનાવણી દરમ્યાન સેશન્સ કોર્ટના ઍડિશનલ સેશન્સ જજે આગોતરા જામીન આપવાની ના પાડીને પોતાના આદેશમાં કહ્યું કે ‘આ કોર્ટ અરજીકર્તાને અત્યારે વચગાળાના જામીન આપવાની તરફેણમાં નથી, કારણ કે તેમની સામે પ્રથમદર્શી પુરાવા અને અમુક માહિતી પણ બહાર આવી છે જેની તપાસ કરવા માટે કસ્ટડીની જરૂર લાગે છે.’
ત્યાર બાદ સેશન્સ કોર્ટે સચિન વઝેની અરજીની સુનાવણી ૧૯ માર્ચ પર મોકૂફ રાખી પોલીસને જવાબ આપવા ઍફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સચિન વઝેએ કરેલી અરજીમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા આ કેસમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં કોઈના નામનો ઉલ્લેખ નથી. આ ફરિયાદ એકદમ પાયાવિહોણી છે અને બદલાની ભાવનાથી કરવામાં આવી છે.
ADVERTISEMENT
હિરણની પત્નીએ કરેલી ફરિયાદ પણ માત્ર શંકાના આધાર પર હોવાનું જણાવતાં તેમણે અરજીમાં કહ્યું હતું કે ‘ગુનાની પ્રથમ જાણ કરનારની માત્ર શંકાના આધારે ધરપકડ કરવાની મંજૂરી કોઈ કાયદો નથી આપતો. આ કેસમાં મારી વિરુદ્ધ ગુનો સાબિત કરતા કોઈ પુરાવા નથી તેમ જ કેસમાં આરોપી તરીકે મારા નામનો ઉલ્લેખ પણ નથી કરાયો.’
વઝેને બુધવારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી દૂર કરીને મુંબઈ પોલીસના સિટિઝન ફેલિસિટેશન સલેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. સચિન વઝેએ વધુમાં કહ્યું હતું કે તેઓ તપાસમાં પૂરો સહકાર આપી રહ્યા છે એ ધ્યાનમાં રાખતાં તેમને ધરપકડથી રાહત આપવી જોઈએ.
ગુનાની પ્રથમ જાણ કરનાર મનસુખ હિરણનાં પત્નીએ એફઆઇઆરમાં સચિન વઝે વિરુદ્ધ સીધા આક્ષેપ કર્યા છે. આથી કોર્ટ એવા તારણ પર આવે છે કે તપાસના પ્રાથમિક તબક્કે સચિન વઝેની પૂછપરછ કરવી અત્યંત આવશ્યક છે.
અહીં નોંધનીય વાત એ છે કે મનસુખ હિરણ જ્યારે ગુમ થઈ ગયા હતા અને તેમની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી એ સમયે પોતે દિક્ષણ મુંબઈમાં ડોંગરીમાં હોવાનો દાવો સચિન વઝેએ કર્યો હતો.
સચિન વઝેએ વૉટ્સઍપ સ્ટેટસમાં શું લખ્યું?
૩ માર્ચ, ૨૦૦૪. સીઆઇડીના મારા સાથીઓએ ખોટા કેસમાં મારી ધરપકડ કરી હતી. આજ સુધી એ ધરપકડનો કોઈ નિષ્કર્ષ નથી આવ્યો. એવું લાગી રહ્યું છે કે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. મારા સાથી અધિકારીઓ મને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે પરિસ્થિતિ સહેજ જુદી છે. આજથી ૧૭ વર્ષ પહેલાં મારી પાસે ઘણી આશા અને ધીરજ હતી તેમ જ મારી જિંદગી અને સર્વિસ બન્ને બાકી હતી. જોકે હવે મારી પાસે એમાંનું કશું નથી. મને લાગે છે કે દુનિયાને અલવિદા કહેવાનો સમય નજીક આવી રહ્યો છે.

