મુલુંડમાં BMCના અધિકારી બનીને દુકાનદાર પાસેથી પૈસા પડાવવા આવેલા
આરોપી પાસેથી મળી આવેલું BMCનું આઇડેન્ટિટી કાર્ડ
મુલુંડ-વેસ્ટમાં ગૌશાળા રોડ પર સોમવારે સાંજે કરિયાણાની દુકાન ધરાવતા એક વેપારી પાસેથી BMCના અધિકારીઓ હોવાની ખોટી માહિતી આપીને પૈસા પડાવનાર હનીફ સૈયદ અને વિજય ગાયકવાડની મુલુંડ પોલીસે ધરપકડ કરી હતી. BMCના અધિકારીઓ હોવાનો દાવો કરીને આવેલા બન્ને જણ પર કરિયાણાના વેપારીને શંકા જતાં તેણે મુલુંડ શૉપકીપર્સ વેલ્ફેર અસોસિએશનને જાણ કરી હતી. ત્યાર બાદ વેપારીઓ એકજૂટ થઈ જવાથી બન્નેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
દુકાનમાં પ્રવેશીને તેમણે BMCના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી અને પ્લાસ્ટિકની પાતળી થેલી વાપરો છો એમ કહી ડરાવીને કરિયાણાની દુકાનમાં શોધખોળ કરી હતી એમ જણાવતાં મુલુંડના વેપારી રવિ તન્નાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે મયૂર ટ્રેડર્સ નામની દુકાનમાં સાંજે સવાચાર વાગ્યાની આસપાસ બે લોકો BMCના અધિકારીઓ હોવાનું કહીને આવ્યા હતા. તેમણે દુકાનમાં પ્લાસ્ટિકની પાતળી થેલીનો ઉપયોગ કરવામાં આવે છે એમ કહીને શોધખોળ કરી હતી. તેમને થેલી ન મળી આવતાં કહ્યું કે આગ લાગે ત્યારે સેફ્ટી માટે તમે ફાયર-એક્સ્ટિંગ્વિશર નથી રાખ્યું એના માટે તમને ૧૦૦૦ રૂપિયાનો ફાઇન કરવામાં આવશે. બન્ને જે રીતે વાત કરી રહ્યા હતા એ થોડી શંકાજનક હતી. જોકે કાયદાકીય પ્રક્રિયાથી દૂર રહેવા વેપારીએ તેમને ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા. એ પૈસા લઈને પાવતી આપ્યા વગર તેમણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી તેમના પર શંકા વધતાં અમારા વેપારીભાઈએ તેમની પાછળ જઈને આ ઘટનાની જાણ મુલુંડ શૉપકીપર્સ વેલ્ફેર અસોસિએશનના પદાધિકારીઓને કરી હતી. ત્યાર બાદ બન્નેને પકડીને મુલુંડ પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે બન્ને સામે ફરિયાદ નોંધી છે.’
ADVERTISEMENT
મુલુંડ શૉપકીપર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ અતુલ કોઠારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુલુંડમાં આ પહેલાં પણ સરકારી અધિકારી હોવાનું કહીને દુકાનદારો પાસેથી પૈસા પડાવી લેવાના કિસ્સા બન્યા હતા. ત્યાર બાદ અમે અમારી સાથે જોડાયેલા વેપારીઓને આવા લોકોથી સાવચેત રહેવાની અપીલ કરી હતી. જે દુકાનદાર પાસે બન્ને જણ ગયા હતા તે અમારા અસોસિએશન સાથે જોડાયેલો હોવાથી તેને તરત આવા બોગસ અધિકારીઓ પર શંકા ગઈ હતી એટલે તેણે અમને જાણ કરી હતી. ત્યાર બાદ તે વેપારી સાથે ઊભા રહીને અમે પોલીસની તમામ કાયદાકીય પ્રક્રિયા સાથે તેમની સામે ફરિયાદ નોંધાવી હતી.’