આ તમામ ચોરી પાછળ એક જ ગૅન્ગ સક્રિય હોવાની માહિતી પોલીસને મળતાં તમામ ચોરી પાછળ એક જ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે
પ્રતીકાત્મક તસવીર
સાંતાક્રુઝ-વેસ્ટમાં રવિવારે રાતે અલગ-અલગ વિસ્તારોની ત્રણ દુકાનોનાં તાળાં તોડીને આશરે ત્રણ લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાની ફરિયાદ સોમવારે સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આ તમામ ચોરી પાછળ એક જ ગૅન્ગ સક્રિય હોવાની માહિતી પોલીસને મળતાં તમામ ચોરી પાછળ એક જ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સાંતાક્રુઝ-વેસ્ટના ખોતવાડી વિસ્તારમાં પારસરામપુરિયા અપાર્ટમેન્ટમાં આવેલી જે.એમ.ડી. નામની કપડાંની દુકાનમાં પહેલી ચોરી થઈ હતી એમ જણાવતાં સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દુકાનના માલિક હરીશ જાનવાનીએ આપેલી માહિતી મુજબ તેની દુકાનમાંથી રવિવારે રાત્રે આશરે ૧.૩૦ લાખ રૂપિયાની રોકડ અને પૂજા કરવા માટે રાખેલા ચાંદીના નવ સિક્કાની ચોરી થઈ હતી. રવિવારે રાતે સાંતાક્રુઝના ભાર્ગવ માર્ગ પર બાઇકસ્ટર ગ્લોબલ શૉપમાંથી આશરે ૧૧,૦૦૦ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. એવી જ રીતે લોહિયાનગરમાં આવેલા કમલેશ સ્ટોર્સમાં પણ ૨૯,૦૦૦ રૂપિયાની માલમતાની ચોરી થઈ હતી. આ ત્રણે કેસમાં આરોપીઓની એક જ ગૅન્ગ હોવાની પ્રાથમિક માહિતી અમને મળી છે. એ અનુસાર અમારી ટીમ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.’