એક જ મિનિટમાં કારનો દરવાજો ખોલીને હાથસફાઈ કર્યા પછી રફુચક્કર : APMC માર્કેટની ઘટના : પોલીસે વેપારીની ફરિયાદ પરથી CCTV કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી
APMC માર્કેટની બહાર આરોપીઓ CCTV કૅમેરાનાં ફુટેજમાં ભાગતા દેખાયા હતા
મુલુંડ-વેસ્ટમાં રહેતા અને ઍગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) માર્કેટમાં શીતલ પેપર બૅગ નામથી વ્યવસાય કરતાં ૫૬ વર્ષનાં સંગીતા ગોસરની કારમાંથી હાથચાલાકી કરીને ચોરો અઢી લાખ રૂપિયાની રોકડ લઈ ગયા હોવાની ફરિયાદ સોમવારે રાતે APMC પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. પ્રાથમિક માહિતીના આધારે પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પરથી વધુ તપાસ શરૂ કરી છે.
પર્ફેક્ટ પ્લાનિંગ કરીને આશરે એક જ મિનિટમાં મારી કારનો દરવાજો ખોલીને ચોરો પૈસાની થેલી લઈને રફુચક્કર થઈ ગયા હતા એમ જણાવતાં સંગીતાબહેનના પતિ રાજેશ ગોસરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે રાતે ૯ વાગ્યાની આસપાસ દુકાન બંધ કરીને અમે બધા ઘરે જવા નીકળી રહ્યા હતા ત્યારે દુકાનમાં ભેગી થયેલી અઢી લાખ રૂપિયાની રોકડ લઈને સંગીતા કારમાં બેસી હતી. હું અને મારો પુત્ર દુકાન વધાવવાનું બાકીનું કામ કરી રહ્યા હતા ત્યારે એકાએક એક જણ કારનો દરવાજો ધીમેથી ખોલી સંગીતાએ બાજુની સીટ પર રાખેલી પૈસાની થેલી લઈને બાઇક પર ભાગી ગયો હતો. અંતે અમે આ ઘટનાની ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. APMC માર્કેટમાં મોટા ભાગના વેપારીઓ સાંજે દિવસભરમાં ધંધામાં ભેગી થયેલી રોકડ ઘરે લઈ જતા હોય છે ત્યારે પોલીસે આ બાબત વધુ સુરક્ષા આપવી જોઈએ.’
ADVERTISEMENT
આરોપીઓ વિરુદ્ધ દિશામાં બાઇક લઈને નાસી ગયા હોવાનું CCTV કૅમેરાનાં ફુટેજમાં જોવા મળ્યું છે. આ ઘટનામાં બે આરોપીઓ હતા. એમાંના એક જણે ચોરીને અંજામ આપ્યો હતો અને બીજો બાઇક પર હતો. ચોરી કર્યા બાદ બન્ને આરોપીઓ પનવેલ તરફ નીકળી ગયા હોવાની અમને ફુટેજ પરથી માહિતી મળી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
- APMC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારી