પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે
પ્રતીકાત્મક તસવીર
થાણેમાં રહેતા ૩૯ વર્ષના ડૉક્ટરને ગઠિયાઓએ સુધરાઈના મેડિકલ ડિવાઇસ સપ્લાય કરવાનો કૉન્ટ્રૅક્ટ મળશે અને એમાં સારોએવો પ્રૉફિટ થશે એમ કહી રોકાણ કરવા છેતર્યો હતો. તેમની વાતોમાં આવી જઈ ડૉક્ટરે ડિસેમ્બર ૨૦૨૦થી લઈને આ વર્ષના માર્ચની ૨૭ તારીખ સુધી વિવિધ કારણો હેઠળ એ રકમ તેમને આપી હતી. જ્યારે ડૉક્ટરે એની સામે પોતાનો પ્રૉફિટ માગ્યો ત્યારે એ લોકોએ ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં હતાં અને એ પ્રૉફિટના પૈસા આપવાની વાત તો દૂર, રોકાણ કરેલી મુદ્દલ પણ પાછી આપી નહોતી. લાંબો સમય તેમની સાથે એ માટે પ્રયાસ કર્યા બાદ પણ જ્યારે પૈસા પાછા ન મળ્યા ત્યારે આખરે ડૉક્ટરે એ સંદર્ભે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.