અમુક ભિક્ષુકોના સૂટ-બૂટમાં ફોટો પડાવી તેમના બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવીને લેવામાં આવી લોન : ૧૧ની ટીમે બનાવટી ક્રેડિટ કાર્ડ અને બનાવટી ડૉક્યુમેન્ટ્સના આધારે લેવામાં આવેલા પીઓએસ મશીનમાં કાર્ડ સ્વાઇપ કરી પોતાના ખાતામાં પૈસા જમા કરાવીને કર્યું કૌભાંડ
Crime News
પ્રતીકાત્મક તસવીર
બૅન્કમાંથી લોન લેવા અને ક્રેડિટ કાર્ડ મેળવવા માટે આશરે ૨૦૦થી ૨૫૦ લોકોનાં નકલી આઇટી રિટર્ન્સ ભરીને તથા બનાવટી બિઝનેસ એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેટ, બનાવટી લાઇસન્સ, બનાવટી આધાર કાર્ડ અને પૅન જેવા દસ્તાવેજો બનાવી વિવિધ બૅન્કોમાં સબમિટ કરીને એના આધારે બૅન્ક પાસેથી કરોડો રૂપિયાની લોન લેવામાં આવી હતી. આરોપીએ આગરીપાડામાં રહેતા એક યુવકના નામે સાડાચાર લાખ રૂપિયાની લોન લીધી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. અંતે આ ઘટનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ને મળ્યા બાદ તપાસ કરવામાં આવી હતી. એણે તપાસ કરીને ચાર મહિલા સહિત ૧૧ વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીઓએ ભિક્ષુકોના ડૉક્યુમેન્ટ્સ મેળવીને એના આધારે પણ લોન લીધી હોવાની શંકા પોલીસને છે, કારણ કે ૨૦૦ જેટલા લોકોના જે ડૉક્યુમેન્ટ્સ પોલીસને મળ્યા છે એમાંની કોઈ વ્યક્તિ પોલીસ સામે આવી નથી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટે આપેલી માહિતી અનુસાર આ ગુનાના આરોપીઓએ આગરીપાડામાં રહેતા યુવકને બૅન્કમાંથી ક્રેડિટ કાર્ડ અને હોમલોન મેળવી આપવાનું વચન આપીને આડકતરી રીતે તેનાં બનાવટી આઇટી રિટર્ન્સ, બિઝનેસ એન્ટરપ્રાઇઝ સર્ટિફિકેટ, લાઇસન્સ જેવા દસ્તાવેજ બનાવ્યા હતા. આ દસ્તાવેજ વિવિધ બૅન્કોમાં સબમિટ કરીને એના આધારે ક્રેડિટ કાર્ડ અને હોમલોન અપાવવાની લાલચ આપીને તેની પાસેથી કુલ ૪,૪૯,૯૮૬ રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આગરીપાડા પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. એ પછી હાથ ધરાયેલી તપાસમાં આરોપીએ ધંધાના સ્થળ તરીકે ભાડે રાખેલી એક કમર્શિયલ અને રહેણાક જગ્યા સંદર્ભના બનાવટી દસ્તાવેજ અને ઘણા લોન લેવા માગતા ગ્રાહકોના ઘર અને ધંધાકીય દસ્તાવેજ, લાઇટબિલ, આઇટી રિટર્ન્સ, ટીડીએસ ફૉર્મ, આધાર કાર્ડ વગેરેના બનાવટી દસ્તાવેજો પોલીસને મળી આવ્યા હતા. તેઓ આ દસ્તાવેજ બૅન્કમાં જમા કરાવીને બૅન્ક અધિકારીઓને ગેરમાર્ગે દોરતા હતા. મહિલા આરોપી આ બૅન્ક અધિકારીની બિઝનેસ ઑફિસના વેરિફિકેશન દરમ્યાન હાજર રહીને ઑફિસ કર્મચારી તરીકેની ઓળખ બતાવતી હતી. વેરિફિકેશન બાદ સંબંધિત બૅન્કોમાંથી બનાવટી ધંધાકીય સ્થળે ક્રેડિટ કાર્ડના પીઓએસ (પૉઇન્ટ ઑફ સેલ) મશીનની ફી ભર્યા બાદ ઉલ્લેખિત ક્રેડિટ કાર્ડની મર્યાદા મુજબની રકમ આરોપીની માલિકીના પીઓએસ મશીનની મદદથી પોતાના બૅન્ક-અકાઉન્ટમાં ડાયવર્ટ કરવામાં આવતી હતી. આમ તેમણે ઘણા ગ્રાહકો અને બૅન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીઓએ વિવિધ ટીમ બનાવીને ભાંડુપ, મુલુંડ, કુર્લા, વડાલાથી પ્રદીપ રામશિરોમણિ મૌર્ય, અબ્દુલ શેખ, કાદર અહમદ પરમાર, જગદીશ રામભાઈ જામસાંડેકર, મનોજ ચીમનલાલ પારેટા, ભાવેશ વિશ્વનાથ શિરાસત સહિત ચાર મહિલાની ધરપકડ કરી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ના સિનિયર ઇન્સ્પેક્ટર દીપક સુર્વેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પકડાયેલા આરોપીઓએ બનાવટી દસ્તાવેજો બનાવીને વિવિધ બૅન્કોમાંથી કુલ ૨૦૦થી વધુ ક્રેડિટ કાર્ડ મેળવ્યાં હતાં અને એમાંથી પૈસા તેમના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આ ગુનામાં અન્ય આરોપીઓની સંડોવણી છે કે નહીં એ માટે તપાસ ચાલી રહી છે. મુખ્ય આરોપી સાતમી નાપાસ છે, છતાં તેણે આઠ બૅન્ક સાથે આ છેતરપિંડી કરી છે.’
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૩ના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ ૨૦૦થી ૨૫૦ જેટલા લોકોના બનાવટી ડૉક્યુમેન્ટ્સના આધારે ક્રેડિટ કાર્ડ બનાવીને લોન લીધી હતી. તેમનામાંથી એક યુવક અમને હાથ લાગ્યો છે. તેમણે રોડ પરના ભિક્ષુકોના ફોટો અને તેમના બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવી બૅન્કમાંથી લોન લીધી હોવાની અમને શંકા છે. આરાપીઓમાંના એક જણ પાસેથી અમને આ લિન્ક મળી આવી છે.’