ભિવંડી પોલીસે તેને ઝડપી લઈને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે
પ્રતીકાત્મક તસવીર
ઑનલાઇન ગેમિંગની લતને કારણે બે લાખ ગુમાવનાર ૩૫ વર્ષના અભિમન્યુ ગુપ્તાએ તેના જૂના માલિકના ઘરે જઈને તેના પરિવારના સિનિયર સિટિઝનની હત્યા કરીને લૂંટ ચલાવી હતી તથા પુરાવાઓનો નાશ કરવા તેમના ઘરને આગ લગાડી દીધી હતી. આ ઘટના ૧૪ ઑગસ્ટે બની હતી. ભિવંડી પોલીસે તેને ઝડપી લઈને તેની સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
આરોપી અભિમન્યુ ગુપ્તાએ ૧૪ ઑગસ્ટે ૭૪ વર્ષનાં સેવામૅરી ઑગસ્ટિન નાડાર પર હુમલો કરી તેમનું ગળું ચીરી નાખ્યું હતું અને એ પછી તેમના સોનાના દાગીના લૂંટી લીધા હતા. ત્યાર બાદ હત્યા અને ચોરીના પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડીને ત્યાંથી નાસી ગયો હતો. થાણે પોલીસે આ સંદર્ભે તપાસ કરીને આખરે તેને થાણેની એક લૉજમાંથી શનિવારે ઝડપી લીધો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં કહ્યું હતું કે તેણે ઑનલાઇન જુગારમાં બે લાખ રૂપિયા ગુમાવ્યા હતા. તે સેવામૅરી નાડારના દીકરાની ડેરીમાં અગાઉ નોકરી કરતો હતો એથી નાડાર પરિવારને ઓળખતો હતો અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અભિમન્યુ ગુપ્તા સામે હત્યા સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધાયો છે. કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને ૨૮ ઑગસ્ટ સુધીની પોલીસ-કસ્ટડી આપી છે.