નવી મુંબઈના દેવીચા પાડા વિસ્તારમાં આવેલા માઉલી કૃપા બિલ્ડિંગમાં રહેતી સાડાત્રણ વર્ષની હર્ષિકા શર્મા નામની બાળકી મંગળવારે સાંજે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. બાળકીનાં માતા-પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
પાડોશી નરાધમે હત્યા કરીને બૅગમાં મૂકી દીધી હતી ડેડ-બૉડી, બાથરૂમની લૉફ્ટમાંથી મળી બૅગ
નવી મુંબઈના દેવીચા પાડા વિસ્તારમાં આવેલા માઉલી કૃપા બિલ્ડિંગમાં રહેતી સાડાત્રણ વર્ષની હર્ષિકા શર્મા નામની બાળકી મંગળવારે સાંજે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. બાળકીનાં માતા-પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે બાળકીનો મૃતદેહ તેના ઘરના બાથરૂમની લૉફ્ટમાં મૂકેલી એક બૅગમાંથી ગઈ કાલે મળી આવ્યો હતો. બાજુમાં રહેતા મોહમ્મદ અન્સારી નામના આરોપીએ જ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું જણાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપી મોહમ્મદ અન્સારીએ ઑનલાઇન ગેમમાં ૪૨,૦૦૦ રૂપિયા ગુમાવ્યા હોવાથી આ રૂપિયા પાડોશી પરિવાર પાસેથી વસૂલ કરવા માટે તેની હર્ષિકા શર્મા નામની બાળકીની હત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં જણાઈ આવ્યું હતું. તેની ઇચ્છા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું બતાવીને પાડોશી પરિવાર પાસેથી પૈસા પડાવવાનું હતું, પણ મિસિંગની ફરિયાદને લીધે પોલીસ માઉલી કૃપા બિલ્ડિંગમાં પહોંચી ગઈ હોવાથી તેને મૃતદેહ સગેવગે કરવાનો ચાન્સ ન મળતાં તેણે એ બાળકીના ઘરમાં જ છુપાવી દીધો હતો.
મંગળવારે બપોર બાદ બાળકી ગાયબ થયા બાદ બુધવારે સાંજે ઘરમાંથી જ દુર્ગંધ આવવા લાગી હતી. આથી હર્ષિકાનાં માતા-પિતાએ તપાસ કરતાં તેમના ઘરના બાથરૂમની લૉફ્ટમાં મૂકેલી બૅગમાંથી દુર્ગંધ આવી રહી હોવાનું જણાયું હતું. બૅગને નીચે ઉતારીને ચેક કરતાં એમાંથી હર્ષિકાનો મૃતદેહ મળી આવ્યો હતો.

