મુંબઈ : ફટાકડા ફોડવાના નિયમભંગ બદલ 39 લોકો સામે કાર્યવાહી
ફાઈલ તસવીર
કોરોનાના સમયમાં પ્રદૂષણ ન ફેલાય એ માટે રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં દિવાળીમાં મીરા-ભાઈંદર વિસ્તારમાં નિયમનો ભંગ કરવા બદલ પોલીસે ૩૦ કેસ નોંધીને ૩૯ લોકો સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
લક્ષ્મીપૂજનની રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી સોસાયટી કે બંધ જગ્યામાં ફટાકડા ફોડવાની જ મંજૂરી અપાઈ હોવા છતાં ધનતેરસથી નવા વર્ષની રાત સુધી મીરા-ભાઈંદરના કેટલાક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાની ફરિયાદો મળ્યા બાદ અહીંની પોલીસ એક્શનમાં આવી હતી.
ADVERTISEMENT
મીરા ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના ઝોન-૧ના ડીસીપી અમિત કાળેએ કહ્યું હતું કે ‘અમે લોકોને દિવાળીમાં નિયમોનું પાલન કરવાનું પેટ્રોલિંગ દ્વારા કહ્યું હતું. જોકે કેટલાક લોકોએ જાહેરમાં અને નક્કી કરાયેલા સમય બાદ પણ ફટાકડા ફોડવાનું ચાલુ રાખતા અમે મીરા-ભાઈંદરમાં ૩૦ કેસ નોંધીને ૩૯ લોકો સામે કાર્યવાહી કરી હતી.’
કમિશનર સદાનંદ દાતે અને એડિશનલ કમિશનર એસ. જયકુમારના માર્ગદર્શન હેઠળ એસીપી ડૉ. શશિકાંત ભોસલેની આગેવાનીમાં ફટાકડા ફોડવાના નિયમનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે ટીમ બનાવાઈ હતી. આ ટીમમાં સામેલ પોલીસે પેટ્રોલિંગ કરીને કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી. જોકે તમામ કેસ જામીનપાત્ર હોવાથી બધાને તરત જ જામીન પર મુક્ત કરાયા હતા.
પોલીસે ભાઈંદર પોલીસ સ્ટેશનમાં ૧૦, નવઘર પોલીસ સ્ટેશનમાં ૭, મીરા રોડ પોલીસ સ્ટેશનમાં ૪ અને કાશીમીરા પોલીસ સ્ટેશનમાં ૫ અને નયાનગર પોલીસ સ્ટેશનમાં ૬ કેસ નોંધીને ૩૭ લોકોની ધરપકડ કરી હતી.

