આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પૂર્વસંધ્યાએ પત્નીએ કરી દારૂડિયા પતિની હત્યા
પ્રતીકાત્મક તસવીર
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે વિરારમાં એક મહિલાએ આઘાતજન્ય કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. વિરાર પોલીસે વિરાર-ઈસ્ટમાં જીવદાની અપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતી ૨૯ વર્ષની નેહા પવારની તેના ૩૦ વર્ષના પતિ લોકેશ પવારની હત્યાના આરોપમાં ધરપકડ કરી છે. હત્યા બાદ નેહાએ લોકેશના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે લોકેશ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, પરંતુ તેના પિતરાઈ ભાઈને લોકેશ સાથે કંઈ ખોટું થયું હોવાની શંકા ગઈ હતી કારણ કે લોકેશના પેટમાં છરીના ઘા હતા અને તેની બાઇક બિલ્ડિંગની નજીક પાર્ક કરી હતી.
વર્ષ ૨૦૧૩માં નેહાએ લોકેશ સાથે લગ્ન કર્યાં હતાં અને તેઓ સાત વર્ષના પુત્રનાં માતા-પિતા પણ છે. લોકેશ એક ઇવેન્ટ મૅનેજમેન્ટ ફર્મમાં કામ કરતો હતો, જ્યારે નેહા આ જ ફર્મની ભૂતપૂર્વ કર્મચારી હતી અને બન્નેને એ વખતે એકબીજાથી પ્રેમ થઈ ગયો હતો.
ADVERTISEMENT
વિરાર પોલીસના જણાવ્યા પ્રમાણે ‘લોકેશ દારૂનો વ્યસની હતો અને દારૂના નશામાં તે ઘરે આવતો હતો અને આ વાતને લઈને દંપતીમાં દરરોજ ઝઘડા થતા હતા. રવિવારે પણ મોડી રાતના લોકેશનો નેહા સાથે ઝઘડો થયો હોવાથી નેહા ખૂબ ગુસ્સે ભરાઈ ગઈ હતી, આથી ગુસ્સામાં નેહાએ કિચનમાં જઈને છરી ઉપાડી અને લોકેશને અનેક વખત છરીથી ઘાયલ કરતાં તે ત્યાં જ જીવ ગુમાવી બેઠો હતો.’
હત્યા પછી નેહાએ અમુક સંબંધીઓને ફોન કરીને કહ્યું કે લોકેશનો અકસ્માત થયો છે અને તે ગંભીર જખમી થયો છે. એથી લોકેશનો એક પિતરાઈ ભાઈ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ચારેય બાજુ લોહી હોવાને કારણે શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે કરી પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. ઘટનાના સમયે લોકેશ દારૂના નશામાં હતો કે કેમ તે જાણવા માટે પોસ્ટમૉર્ટમના અહેવાલની રાહ જોવાઈ રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ દંપતી છેલ્લાં ચાર વર્ષથી અલગ રહેતું હતું અને છેલ્લા બે મહિનાથી જ સાથે રહેવા લાગ્યા હતા અને દરરોજ ઝઘડા વધતા ગયા હતા. પોલીસે હત્યાના ગુનામાં નેહાની કલમ ૩૦૨ હેઠળ ધરપકડ કરી છે અને કિચનની છરી જે તેણે રૂમમાં છુપાવી હતી તે પણ કબજે કરી છે. ગઈ કાલે જ્યારે તેની પત્નીને વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે ૧૧ માર્ચ સુધી તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ અપાયો હતો. પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.’

