પત્નીની હત્યા કર્યા બાદ અફસોસ થતાં પતિએ પણ કરી આત્મહત્યા
પ્રતીકાત્મક તસવીર
બોઇસરમાં બાળકોની સામે જ પત્નીની હત્યા કર્યા બાદ પતિએ ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના બુધવારે સવારે ૯.૩૦ વાગ્યે બની હતી. બોઇસર પોલીસે આ સંદર્ભે બન્ને મૃતદેહોનો તાબો લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બોઇસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદીપ કસ્બેએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટના બોઇસરના ત્રિવેદીનગરમાં બની હતી. બુધવારે સવારે ૪૮ વર્ષના મહેન્દ્ર યાદવ અને તેની ૪૨ વર્ષની પત્ની માધુરી વચ્ચે મામૂલી કારણસર ઝઘડો થયો હતો. એ વખતે ઘરમાં તેમનાં બન્ને બાળકો ૧૧ વર્ષની દીકરી અને ૯ વર્ષનો દીકરો હાજર હતાં. ઉશ્કેરાઈ ગયેલા મહેન્દ્રએ રસોડામાં વપરાતા ચાકુથી માધુરી પર આડેધડ હુમલો કરીને તેને લોહાલુહાણ કરી દીધી હતી. ગંભીર ઈજા થવાથી માધુરીનું મૃત્યુ થયું હતું. એ વખતે બાળકો પણ હેબતાઈ ગયાં હતાં અને બૂમાબૂમ થઈ ગઈ હતી. ત્યાર બાદ પસ્તાવો થવાથી મહેન્દ્ર પણ તરત જ ઘર બહાર નીકળી ગયો હતો અને પાટા પર જઈ ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. અમને ઘટનાની જાણ થતાં અમારા સ્ટાફે બન્ને જગ્યાએથી તેમના મૃતદેહનો તાબો લઈને એમને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા છે. હાલ બન્ને બાળકો એટલા આઘાતમાં છે કે તેઓ કંઈ પણ કહી શકવાની સ્થિતિમાં નથી. અમે આ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યી છીએ.’

