મહિલા ઍડ્વોકેટે કરી મંગલપ્રભાત અને તેમના પુત્ર સામે ચીટિંગની ફરિયાદ
મંગલપ્રભાત લોઢા
પુણેમાં રહેતી ૫૪ વર્ષની મહિલા ઍડ્વોકેટની ફરિયાદના આધારે પોલીસે બીજેપીના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢા અને તેમના પુત્ર તથા બિલ્ડર-ડેવલપર કંપનીના સીઈઓ અભિષેક સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. મહિલા વકીલે પુણેના ચતુશૃંગી પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મેં ૨૦૧૩માં ફ્લૅટ બુક કરાવ્યો ત્યારે બિલ્ડર તરફથી જણાવવામાં આવ્યું હતું કે તમને ૨૦૧૯માં ફ્લૅટનો કબજો મળશે, પરંતુ મને હજી સુધી ફ્લૅટનો કબજો મળ્યો નથી. પરંતુ લોઢા બિલ્ડર્સ તરફથી એ મહિલા ઇરાદાપૂર્વક ફ્લૅટની કિંમત પેટે ચૂકવવા પાત્ર રકમ સમયસર ચૂકવતી ન હોવાનું અને બદનક્ષીના ઉદ્દેશથી જ આરોપ મૂકતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
ફરિયાદી મહિલાએ પુણેના ચતુશૃંગી પોલીસ-સ્ટેશનમાં નોંધાવેલા બયાનમાં જણાવ્યું છે કે ‘મેં ૨૦૧૩ના જાન્યુઆરી મહિનામાં વરલીના લોઢા માર્ક્વિસ પ્રોજેક્ટમાં ત્રણ બેડરૂમનો ફ્લૅટ બુક કરાવ્યો હતો. પ્રમોટર્સે એ પ્રોજેક્ટ ૨૦૧૯માં પૂરો થતાં ફ્લૅટનો કબજો આપવાની ખાતરી આપી હતી. મેં ૩.૯૨ કરોડ રૂપિયા બિલ્ડર કંપનીને ચૂકવ્યા હતા. ૨૦૧૫માં મને નોટિસ મોકલીને મારું રજિસ્ટ્રેશન (બુકિંગ) રદ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. એથી મેં એ બાબતે કંપનીના અધિકારી સુરેન્દ્રન નાયરને પૂછ્યું હતું. નાયરે મને નોટિસને મહત્ત્વ નહીં આપવા જણાવ્યું હતું. હું પ્રોજેક્ટના સ્થળની મુલાકાત લેવાનું વારંવાર જ્વાલા રિયલ એસ્ટેટ પ્રાઇવેટ લિમિટેડ (માઇક્રોટેક ડેવલપર્સ લિમિટેડ)ના ચૅરમૅન તેમ જ સુરેન્દ્રન નાયરને જણાવતી હતી, પરંતુ તેઓ મને વધારાના ૨૫ લાખ રૂપિયા અને ૧.૬૭ કરોડ રૂપિયા ચૂકવવાનું કહેતા હતા. ૨૦૧૬ના માર્ચ મહિનામાં મેં લોઢાને મળીને વધારે રકમ શા માટે ચૂકવવી પડશે એ પૂછ્યું હતું. એ વખતે તેમણે કહ્યું કે ફ્લૅટની કિંમત વધી છે અને હવે ૪.૧૫ કરોડ રૂપિયાની કિંમત ચૂકવાય તો જ ફ્લૅટનો કબજો મળશે. મને વારંવાર કહેવામાં આવ્યું કે તમે પૈસા નહીં ચૂકવો તો ફ્લૅટ ગુમાવશો. મેં અદાલતમાં અરજી કરી અને અદાલતના આદેશ મુજબ ચતુશૃંગી પોલીસ-સ્ટેશને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધ્યો છે.’
ADVERTISEMENT
આ કેસમાં બીજેપીના વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ જણાવ્યું કે ‘ફરિયાદી મહિલા ઇરાદાપૂર્વક ફ્લૅટની કિંમતરૂપે ચૂકવવાપાત્ર રકમ સમયસર ચૂકવતી નથી. એથી રેરા હેઠળ જે પેનલ્ટી લાગુ પડે છે એ પણ તેણે ચૂકવવી જરૂરી છે. એથી અમે તેમને જણાવ્યું છે કે તમે ઍગ્રીમેન્ટ પ્રમાણે એ બધી લેણી નીકળતી રકમો નહીં ચૂકવો તો તમારું બુકિંગ કૅન્સલ કરવામાં આવશે. હું એ મહિલા સામે બદનક્ષીનો દાવો માંડીશ અને ગેરકાયદે અદાલતે આપેલો આદેશ રદ કરવાની માગણી કરતી અપીલ કરીશ. હું માઇક્રોટેક ડેવલપર્સનો ડિરેક્ટર પણ નહોતો.’

