કારમાંથી 75 લાખ રૂપિયા લઈને ભાગી ગયેલા ડ્રાઇવરની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ
પ્રતીકાત્મક તસવીર
દારૂ સપ્લાય કરવાનું કામ કરતા એક ગુજરાતી વેપારીના ૭૫ લાખ રૂપિયા લઈને નાસી ગયેલા તેમના જ ડ્રાઇવરની પોલીસે છેક મધ્ય પ્રદેશ જઈને ધરપકડ કરીને આરોપી પાસેથી મોટા ભાગના પૈસા રિકવર કર્યા હતા.
આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનની હદમાં બનેલી આ ઘટનામાં શેઠની કારમાં આટલા બધા રૂપિયા જોઈને ડ્રાઇવરની નજર બગડી હતી અને તે કંઈ પણ વિચાર્યા વગર પૈસા લઈને ભાગી ગયો હતો.
ADVERTISEMENT
ફરિયાદી ઉમેશ ડોડેચા દારૂ સપ્લાય કરતા હોવાથી દુકાનદારો પાસેથી રોજનું લાખો રૂપિયાનું કલેક્શન કરે છે એ વાતની ડ્રાઇવરને જાણ હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘મંગળવારે પણ એક પાર્ટી પાસેથી આવેલા ૭૫ લાખ રૂપિયા કારમાં મૂકીને તેઓ પોતાની ઑફિસમાં ગયા હતા. એ દરમિયાન કાર સાથે બહાર ઊભેલા ડ્રાઇવર દીપક સિંહે આટલી મોટી રકમ કારમાં હોવાથી લલચાઈને કારમાંથી પૈસા કાઢી લીધા અને કારને લૉક કરીને નાસી ગયો હતો. કલાકો બાદ પણ ડ્રાઇવરનો કોઈ પત્તો ન લાગતાં તેમણે દીપક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.’
આઝાદ મેદાન પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિદ્યાસાગર કલકુંદ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસ દરમિયાન અમે આરોપીની મધ્ય પ્રદેશના શિવપુરી ગામમાંથી ધરપકડ કરી હતી. ૭૫ લાખમાંથી અમે આરોપી પાસેથી ૭૪.૬૪ લાખ રૂપિયાની રોકડ, એક નવો મોબાઇલ ફોન અને એક સ્માર્ટ વૉચ જપ્ત કર્યાં હતાં. આરોપીને ગુરુવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.’

