દીકરી બની દાનવ, મમ્મીની ક્રૂર હત્યા કરી શબના ટુકડા કરીને રાખ્યા પણ...ડેડ-બૉડીની દુર્ગંધને ડામી દેવા પરફ્યુમની ૨૦૦ બૉટલ રાખી હતી
Crime News
લાલબાગમાં રિંપલનું ઘર જ્યાં તેણે મમ્મી વીણાબહેનની હત્યા કરી હતી, જ્યારે (જમણે) મીડિયા સાથે વાત કરી રહેલા પાડોશી.
લાલબાગમાં રહેતી જૈન પુત્રી સગી માની હત્યા કર્યા પછી તેના મૃતદેહ સાથે જ ઘરમાં રહી : મૃતદેહના કરાયેલા ટુકડાઓ પાણીની સ્ટીલની ટાંકીમાંથી અને કબાટમાંથી મળ્યા હતા: યુવતીનું વિચિત્ર વર્તન અને ૧૫ દિવસ સુધી તે સતત નાહ્યા વગર એક જ ડ્રેસમાં ફરતી રહેતી હોવાથી પાડોશીઓને શંકા ગઈ અને આખો કિસ્સો બહાર આવ્યો
લાલબાગચા રાજાની સામે જ ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલા પેરુ કમ્પાઉન્ડના સિગ્નલ પર કૉર્નરની ઇબ્રાહિમ કાસમ ચાલમાં પહેલા માળે રહેતાં ૫૩ વર્ષનાં વીણા પ્રકાશ જૈનનો કોહવાયેલો અને ટુકડા કરેલો મૃતદેહ તેમના જ ઘરમાંથી મંગળવારે રાતે મળી આવ્યો હતો. તેમની હત્યા કરવા બદલ તેમની જ ૨૪ વર્ષની દીકરી રિંપલની કાલાચૌકી પોલીસે ધરપકડ કરી છે. જોકે આ હત્યાનો ભેદ ખૂલવા પાછળ કારણ એ હતું કે રિંપલનું વર્તન વિચિત્ર હતું અને ૧૫ દિવસ સુધી નાહ્યા વગર તે એક જ ડ્રેસ પર રહેતી હોવાથી પાડોશીઓને શંકા ગઈ હતી. એટલે એક પાડોશી મહિલાએ રિંપલના નજીકના ગુંડેચા ગાર્ડનમાં રહેતાં મામીને કહ્યું કે ઘણા દિવસથી વીણાબહેન દેખાયાં નથી એટલે બીમાર લાગે છે તો તપાસ તો કરજો. એ પછી મંગળવારે રિંપલના મામા સુરેશ પોરવાલ અને તેમનાં પત્નીએ ઘરે આવી તપાસ કરતાં રિંપલ દરવાજો રોકીને ઊભી રહી ગઈ હતી અને તેમને ઘરમાં જવા દેતી નહોતી. એથી તેમને શંકા ગઈ હતી અને પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ઘરમાં આવી તપાસ કરતાં આખરે વીણાબહેનનો કોહવાયેલો અને એ પણ ટુકડા કરેલો મૃતદેહ ઘરમાં પાણીની સ્ટીલની ટાંકીમાંથી અને કબાટમાંથી મળી આવ્યો હતો. હત્યા ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હોવાની શક્યતા છે. જોકે ઘરમાં પરફ્યુમની ૨૦૦ જેટલી બોટલ રાખી હતી જેને કારણે દુર્ગંધ આટલો લાંબો સમય સુધી આવી નહોતી એવું પોલીસનું માનવું છે.
ADVERTISEMENT
સગી જનેતાની આવી ક્રૂર હત્યા દીકરીએ જ કરી હોવાની જાણ થતાં ચાલના રહેવાસીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. વીણાબહેનના એક પાડોશીએ આ બાબતે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વીણાબહેન અને રિંપલ બે જણ જ આ ઘરમાં રહેતાં હતાં. વીણાબહેનના પતિ પ્રકાશ જૈનનું કહે છે કે વર્ષો પહેલાં જ અવસાન થયું હતું. એ પછી વીણાબહેનના ભાઈ સુરેશ પોરવાલે જ બહેન અને ભાણીને રહેવા તેમની આ રૂમ આપી હતી. સુરેશ પોરવાલ નજીકમાં જ આવેલા ગુંડેચા ગાર્ડનમાં રહે છે અને તે જ બહેન અને ભાણીનો ખર્ચ ઉપાડતા હતા. રિંપલ સહેજ બેઠી દડીની છે. તે બારમા ધોરણ સુધી ભણેલી પણ છે. મા-દીકરી વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા, પણ એ તેમનો કૌટુંબિક મામલો હોવાથી પાડોશીઓ વચ્ચે પડતા નહીં. ધીમે-ધીમે વીણાબહેનનું શરીર નબળું પડી રહ્યું હતું. ચાલીમાં ટૉઇલેટ કૉમન છે એટલે ઘરમાંથી પાણીની ડોલ લઈને જવું પડે છે. તેઓ ડોલ પણ માંડ ઉપાડી શકતાં હતાં. આજુબાજુના પાડોશીઓ મરાઠી હતા એટલે વીણાબહેન તેમની સાથે બહુ સંપર્કમાં નહોતાં. જોકે ટૉઇલેટ જતી વખતે હાય-હલો કે કેમ છો જેવી આછી-પાતળી વાતચીત પાડોશી મહિલાઓ સાથે થતી. એકાદ વાર તેમણે કહ્યું પણ હતું કે રિંપલ તેમને મારે છે અને તેમના પગમાં પણ થોડી ઈજાનાં નિશાન હતાં. પાડોશીએ જ્યારે રિંપલને એ બાબતે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે ના, હું મારતી નથી, એ તો રાતના માંકડ કરડે છે અને પછી એ ખજવાળે છે એનાં નિશાન છે. એમ કહીને તેણે વાત વાળી લીધી હતી.’
પાડોશીએ વધુમાં કહ્યું હતું કે ‘અમારું મકાન બહુ જૂનું અને પાઘડીનું છે. ડિસેમ્બર મહિનામાં એની જૂની લાકડાના બીમ કાઢીને લોખંડના ઍન્ગલ બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું એ વખતે કાટમાળ પણ પડેલો રહેતો હતો. ડિસેમ્બર મહિનામાં અમને દુર્ગંધ આવતી હતી. એથી એમ લાગ્યું કે ઉંદર મરી ગયો હશે. કાટમાળ ખસેડીને કોઈ જોવા માગતું નહોતું. ઉંદર મરી ગયો હોય તો બે-ચાર દિવસ જ વાસ આવતી હોય છે. જોકે આ કેસમાં થોડા વધુ દિવસ સુધી વાસ આવી રહી હતી, પણ મરેલો ઉંદર કોઈને મળ્યો નહોતો. એ પછી ધીમે-ધીમે વાસ આવતી બંધ થઈ ગઈ હતી. એ પછી વીણાબહેન દેખાતાં નહોતાં, પણ કોઈએ એ બાબતે ધ્યાન આપ્યું નહોતું. છેલ્લા પંદર દિવસથી રિંપલનું વર્તન બદલાઈ ગયું હતું. તે દિવસનો મોટા ભાગનો સમય અમારી ચાલીમાં આંટા મારતી રહેતી અને ફોન પર સતત કોઈની સાથે વાત કરતી રહેતી. તે કોની સાથે આટલી લાંબી વાતો કરતી હશે એનું પણ લોકોને અચરજ થતું હતું. બીજું, તેણે કપડાં પણ બદલ્યાં નહોતાં અને લગભગ પંદર દિવસથી નાહી પણ નહોતી. તેના પગમાં મેલના થર બાઝી ગયા હતા. તેણે એક પાડોશી મહિલાને કહ્યું હતું કે મારા ઘરે પાણી નથી આવતું અને આવે તો બહુ ઓછું આવે છે એટલે હું નહાતી પણ નથી. ત્યારે તે પાડોશી મહિલાએ તેને કહ્યું પણ ખરું કે નળ કે પછી પાણીનો પાઇપ રિપેર કરાવી લે તો સમસ્યા સૉલ્વ થઈ જશે, પણ તેણે એમ પણ કર્યું નહોતું. અન્ય એક પાડોશી મહિલાને નજીકના જ ગુંડેચા ગાર્ડનમાં રહેતી તેની મામી મળી હતી. તેણે તેમની સાથે વાત કરતાં કહ્યું કે વીણાબહેન ઘણા દિવસથી દેખાતાં નથી, બીમાર લાગે છે, તપાસ તો કરજો. એ પછી ગઈ કાલે મામા-મામી ઘરે આવ્યાં હતાં. ત્યારે રિંપલ ઘરનો દરવાજો રોકીને ઊભી રહી ગઈ હતી અને તેમને અંદર જવા દેતી નહોતી. એથી આખરે પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે આવીને તપાસ કરતાં વીણાબહેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને કોયતો અને ચાકુ પણ મળ્યાં છે જે તેણે જપ્ત કર્યાં છે. મૃતદેહના કેટલાક ટુકડા પાણીની ટાંકીમાં કપડામાં વીંટાળીને બોલી રાખ્યા હતા, જ્યારે કેટલાક ટુકડા પ્લાસ્ટિકની ગૂણીમાં ભરી ટાઇટ બંધ કરીને કબાટમાં રાખ્યા હતા.’
કાલાચૌકી પોલીસે રિંપલ પર જ શંકા જતાં પહેલાં તેને તાબામાં લીધી હતી અને વીણાબહેનના ટુકડા પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધા હતા. એ પછી રિંપલની પૂછપરછમાં તેણે જ હત્યા કરીને તેમના ટુકડા કર્યા હોવાનું કબૂલી લીધું હતું. એથી તેની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો નોંધીને ગઈ કાલે કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૨૦ માર્ચ સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.
વીણાબહેન અને રિંપલ જે રૂમમાં રહેતાં હતાં એની નીચે જ ચાઇનીઝ રેસ્ટોરાં છે. એવું જાણવા મળ્યું હતું કે રિંપલ ઘણી વાર ફોન કરીને જ ઑર્ડર કરતી હતી અને નૂડલ્સ, મંચુરિયન કે ફ્રાઇડ રાઇસ ઘરે મગાવતી હતી. જોકે એની ડિલિવરી કરવા આવતા માણસ સાથે પણ તે બહુ જ રુડલી બિહેવ કરતી અને હંમેશાં કૅશમાં જ પેમેન્ટ કરતી હતી. એટલું જ નહીં, તેણે ૨૦૦ જેટલી પરફ્યુમની બોટલો પણ ખરીદીને રાખી હતી. પોલીસનું માનવું છે કે કોઈને વાસ ન આવે એ માટે તેણે આ કામ કર્યું હોવું જોઈએ.