કલ્યાણમાં પ્રૉપર્ટીના વિવાદમાં ભત્રીજાએ કરી કાકાની હત્યા
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાં રહેતા ૨૩ વર્ષના હર્ષલ ઠાણગેની સામે કૌટુંબિક પ્રૉપર્ટીના વિવાદમાં તેના કાકાની હત્યા અને પિતરાઈ ભાઈ પર હુમલો કરવા બદલ મહાત્મા ફુલે ચોક પોલીસ-સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
હર્ષલના પિતા કુંડલિક અને કાકા નારાયણ તથા સુભાષે તેમના પિતાની માલિકીનો પ્લૉટ ૨૦૧૨માં એક ડેવલપરને આપ્યો હતો. એ વ્યવહાર અંતર્ગત આપવામાં આવેલી દુકાનો સંદર્ભે નારાયણ અને કુંડલિક વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. એ બાબતે કોર્ટમાં કેસ પણ દાખલ કરાયો છે. એમ છતાં રવિવારે હર્ષલ આ બાબતે ઉશ્કેરાઈ ગયો હતો અને કાકા નારાયણ ઠાણગેના ઘરે પહોંચી, તેમની સાથે ઝઘડો કરીને તેમના પર ચાકુના વાર કરવા માંડ્યો હતો. પિતા પર હુમલો થતો જોઈને નારાયણનો દીકરો દિનેશ વચ્ચે પડ્યો હતો. હર્ષલે તેના પર પણ વાર કરી દીધા હતા. એ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નારાયણનું મૃત્યુ થયું હતું, જ્યારે દિનેશને હૉસ્પિટલમાં ખસેડીને આઇસીયુમાં સારવાર અપાઈ રહી છે. પોલીસે હર્ષલની ધરપકડ કરી તેની સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી હતી.

