પોતાના પર રહેલો ગુનો દૂર કરવા જતાં માટુંગાના વેપારી સાથે ધનંજય મુંડેના નામે કરવામાં આવી છેતરપિંડી : વિશ્વાસ બેસે એટલા માટે તેને મંત્રાલયમાં બોલાવીને બીજા આરોપી સાથે મીટિંગ પણ કરાવી
ફાઇલ તસવીર
માટુંગામાં રહેતા વેપારીની નવી મુંબઈના તુર્ભે પોલીસ સ્ટેશને ધરપકડ કરી હતી. દરમ્યાન વેપારીને કોવિડ પૉઝિટિવ આવતાં તેમને ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એક યુવાન સાથે તેમની ઓળખાણ થઈ હતી. તેણે પ્રધાન ધનંજય મુંડે સાથે ઓળખાણ હોવાનું કહીને તેમના પર રહેલો ગુનો દૂર કરવા માટે ધીરે-ધીરે કરી ૧.૯૫ કરોડ રૂપિયા લીધા હતા. એટલું જ નહીં, વેપારીને વધુ વિશ્વાસ બેસે એ માટે તેમની મંત્રાલયની અંદર પણ અન્ય એક યુવાન સાથે મીટિંગ કરાવી હતી. માટુંગા પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
માટુંગાના આર. પી. મસાણી રોડ પરની એક સોસાયટીમાં રહેતા ૪૪ વર્ષના એરિક અંકલેસરિયાએ કરેલી ફરિયાદ અનુસાર ડિસેમ્બર ૨૦૨૦માં તુર્ભે પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. એ સમયે તેમની ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે એ સમયે તેઓ કોરોનાથી પીડિત હતા એટલે તેમને ખારઘર ખાતેના ક્વૉરન્ટીન સેન્ટરમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. ત્યાં તેમની ઓળખાણ અલી રઝા શેખ સાથે થઈ હતી. બન્નેએ એકબીજા સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. અલીએ ફરિયાદીને કહ્યું હતું કે તે એપીએમસી માર્કેટમાં ટમેટાંની ખરીદી અને વેચાણનો મોટો બિઝનેસ ધરાવે છે. ખારઘરમાં ક્વૉરન્ટીન સેન્ટરમાંથી કોરોનામુક્ત થઈને એરિક અંકલેસરિયા ઘરે આવ્યા હતા. સપ્ટેમ્બર ૨૦૨૧માં અલીએ ફરિયાદીને ફોન કર્યો અને કહ્યું કે તેની સામે નોંધાયેલો ગુનો રદ કરવા માટે તે મદદ કરી શકે છે. તેની પ્રધાન અને હાઈ કોર્ટના જજ સહિત મોટા-મોટા લોકો સાથે ઓળખાણ છે. ત્યાર બાદ વધુ ચર્ચા કરવા માટે ફરિયાદીને નવી મુંબઈની તુંગા હોટેલમાં મળવા બોલાવવામાં આવ્યો હતો. તેઓ હોટેલમાં મળવા ગયા ત્યારે આરોપીની સાથે આવેલા જય ઉર્ફે રાજુ મંગલાણી સાથે તેમનો પરિચય કરાવ્યો હતો.
ADVERTISEMENT
અલીએ કહ્યું હતું કે જયની મંત્રાલય અને હાઈ કોર્ટ બન્ને જગ્યાએ ઓળખાણ છે. ત્યારે જયે કહ્યું કે તેનો પરિચિત વાલ્મીક ગોલ્હેર તત્કાલીન પ્રધાન ધનંજય મુંડે સાથે કામ કરે છે અને તેણે ઘણા ગુનાહિત કેસ સંભાળ્યા છે એટલે તે ફરિયાદી સામેના ગુનામાંથી મુક્ત કરાવશે. જય ઉર્ફે રાજુ મંગલાણી અને અલી રઝા શેખે ફરિયાદીને કહ્યું કે વાલ્મીક ગોલ્હેરે અલી રઝા શેખને કેસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી, જેનાથી તેના પર મારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. ત્યાર બાદ મીટિંગ માટે ૨૦૨૧ની ૨૯ સપ્ટેમ્બરે વાલ્મીક ગોલ્હેરે ફરિયાદીને મુંબઈના વિધાનસભા ભવનમાં બોલાવ્યો હતો. વિધાનસભાની અંદર જતાં વધુ એક વ્યક્તિ તેને મળી હતા, જેણે તમામ પેપર જોયા બાદ રોકડા ૪૭ લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યાર બાદ ધીરે-ધીરે કરી ફરિયાદી પાસેથી અલગ-અલગ કારણો આપીને ૧.૯૫ કરોડ રૂપિયા લેવામાં આવ્યા હતા. આટલી મોટી અમાઉન્ટ આપ્યા પછી પણ ફરિયાદીનું કામ ન થતાં તેમને પોતાની સાથે થયેલી છેતરપિંડી સમજાઈ હતી. અંતે તેમણે આ ઘટનાની ફરિયાદ માટુંગા પોલીસ સ્ટેશનમાં કરી હતી.
માટુંગા પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં હાલમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વધુ તપાસ આ કેસમાં કરવામાં આવી રહી છે. આ કેસમાં પ્રધાનનું પણ નામ વાપરવામાં આવ્યું છે એટલે ટેક્નિકલ માહિતીઓના આધારે તપાસ કરવામાં આવી રહી છે.’