મલાડ પોલીસે મોબાઇલ-ચોરીમાં માસ્ટરી કરનાર ૪૫ વર્ષના ઇમ્તિયાઝ અને ૨૪ વર્ષના મોહમ્મદ શેખની ધરપકડ કરી તેમની પાસેથી ૨૩ મોબાઇલ જપ્ત કર્યા છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મલાડ પોલીસે મોબાઇલ-ચોરીમાં માસ્ટરી કરનાર ૪૫ વર્ષના ઇમ્તિયાઝ અને ૨૪ વર્ષના મોહમ્મદ શેખની ધરપકડ કરી તેમની પાસેથી ૨૩ મોબાઇલ જપ્ત કર્યા છે. આરોપી ઍન્ડ્રૉઇડ મોબાઇલની ચોરી કરીને બંગાળમાં વેચતા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એટલું જ નહીં, આરોપીઓ ઍન્ડ્રૉઇડ ફોનના ઇન્ટરનૅશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી (IMEI) નંબર પણ બદલી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આરોપી માત્ર ઍન્ડ્રૉઇડ ફોન ચોરી કરતા અને ચોરેલા મોબાઇલની ખરીદી પણ કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે એમ જણાવતાં મલાડ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર દીપક રાઇવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૩ નવેમ્બરે મલાડના દારૂવાલા કમ્પાઉન્ડમાં ત્રણ મોબાઇલની ચોરી થઈ હતી જેની ફરિયાદ અમે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જ્યાંથી મોબાઇલ ચોરી થયા હતા ત્યાંનાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તપાસતાં આરોપી મોહમ્મદની સંડોવણી હોવાની સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે કોને મોબાઇલ વેચ્યા એની તપાસ કરતાં અમે ઇમ્તિયાઝ સુધી પહોંચ્યા હતા. તેની પાસેથી અમે ચોરીના ૨૩ મોબાઇલ રિકવર કર્યા છે. ઇમ્તિયાઝે ઍન્ડ્રૉઇડ મોબાઇલની ચોરીમાં માસ્ટરી કરી છે. તે પોતે પણ મોબાઇલ ચોરી કરતો હતો અને મુંબઈ તેમ જ આસપાસના બીજા મોબાઇલચોરો પાસેથી તે ચોરીના મોબાઇલ ખરીદી બંગાળમાં વેચતો હતો. તેમની ગૅન્ગના બીજા મેમ્બરોની અમે તપાસ કરી રહ્યા છે.’