ચોરી પાછળ જાણભેદુ હોવાની પોલીસને શંકા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કાલબાદેવીની અગિયારી લેનના પદ્માવતી બિલ્ડિંગમાં કપડાંનો વ્યવસાય કરતા ૬૧ વર્ષના હસમુખ જૈનની દુકાનમાંથી શનિવારે સાડાપાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. હસમુખભાઈની દીકરીનાં લગ્ન આવતી કાલે હોવાથી પૈસા ભેગા કરીને તેમણે દુકાનમાં રાખ્યા હતા. દરમ્યાન શનિવારે સાંજે પાંચથી રાતે દસ વાગ્યા દરમ્યાન અંગત કામથી તેઓ દુકાન બંધ કરીને બહાર ગયા હતા ત્યારે પૈસા ચોરાયા હતા. પ્રાથમિક માહિતીના આધારે પોલીસ દ્વારા તપાસ કરતાં આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોય એવી શક્યતા સામે આવી છે.
ચોરી સાંજે પાંચથી રાતે દસ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ સમયે સામાન્ય રીતે બહારના ચોર ચોરી કરવાની હિંમત ન કરે એટલે આ ચોરી પાછળ કોઈ જાણભેદુ હોય એવી અમને શંકા લાગી રહી છે એમ જણાવતાં એલ. ટી. માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન તડાખેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હસમુખભાઈની દીકરીનાં લગ્ન ગુરુવારે હોવાથી તેમણે રોકડા પૈસા ભેગા કરીને પોતાની કપડાની દુકાનના ડ્રૉઅરમાં રાખ્યા હતા. એ દરમ્યાન શનિવારે સાંજે તેઓ અંગતકામ માટે સાંજે પાંચ વાગ્યે દુકાન બંધ કરીને બહાર ગયા હતા અને રાતે સાડાદસ વાગ્યાની આસપાસ દુકાને પાછા ફર્યા હતા ત્યારે તેમણે દુકાનનું તાળું તૂટેલી હાલતમાં જોયું હતું. અંદર જઈને તપાસ કરતાં ડ્રૉઅરમાં રાખેલા સાડાપાંચ લાખ રૂપિયા ચોરાયા હોવાની તેમને જાણ થઈ હતી. અંતે આ મામલે પહેલાં તેમણે આંતરિક તપાસ કરી હતી, જેમાં ચોરી વિશે કોઈ જાણકારી ન મળતાં તેમણે અમારી પાસે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ચોરી વિશે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

