આઉટ ઑફ વે જઈને બોરીવલી રેલવે પોલીસે હત્યાના આરોપીઓને પકડ્યા
પ્રતીકાત્મક તસવીર
રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં હત્યા કરીને મુંબઈ નાસી આવેલા બે આરોપીઓ બોરીવલીમાં હોવાની જાણ થતાં ત્યાંની સ્થાનિક પોલીસે બોરીવલી રેલવે પોલીસને એ વિશે માહિતી આપી હતી. બોરીવલી પોલીસે તત્પરતા બતાવીને કરેલી ઝડપી તપાસને કારણે હત્યાના કેસના બન્ને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી હતી. બોરીવલી પોલીસે એ માટે પુણે જઈ રહેલી લક્ઝરી બસનો પીછો પણ કર્યો હતો.
મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના સેલુ તાલુકાના ડીએસપીએ પાંચ માર્ચે બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ભાસ્કર પવારને ફોન કરીને કહ્યું હતું કે તેમની હદમાં હત્યા કરીને સૂકી કૅનલમાં ફેંકી દેવાયેલી મહિલા પૂજા ઉમેશ મગરની હત્યાના કેસમાં નાસતા ફરી રહેલા પૂજાના પતિ ઉમેશ મગર અને તેના સાગરીત ગણેશ પિતળે બોરીવલી રેલવે-સ્ટેશન વિસ્તારમાં હોવાની જાણ થઈ છે તો તેમને ઝડપી લેવામાં મદદ કરો. સાથે જ તેમણે એ બન્નેના ફોટોગ્રાફ પણ મોબાઇલ પર મોકલ્યા હતા.
ADVERTISEMENT
સિનિયર પીઆઇ ભાસ્કર પવારે તરત જ ત્રણ ટીમ બનાવી એ ફોટો આપીને આરોપીઓને ઝડપી લેવા તેમની શોધ ચાલુ કરી હતી. આખો સ્ટેશન વિસ્તાર ખૂંદી વળવા છતાં આરોપીઓનો પત્તો લાગ્યો નહોતો. એટલે તરત જ એ ઇન્ફર્મેશન ખબરી નેટવર્કમાં મૂકવામાં આવી હતી. થોડી જ વારમાં ખબરીએ ફોન કરીને કહ્યું કે તમે જેને શોધી રહ્યા છો એમાંનો એક શખ્સ બોરીવલીના નૅશનલ પાર્ક પાસે દેખાયો છે. એથી તરત જ એક ટીમ ત્યાં પહોંચી હતી. જોકે પછી મોબાઇલ ટ્રૅક કરતાં જાણ થઈ કે એ શખ્સ પુણે જતી લક્ઝરી બસમાં બેસીને નીકળી ગયો છે. જોકે રેલવે પોલીસે હાર ન માનતાં આઉટ ઑફ વે જઈને બસનો પીછો કર્યો હતો અને આગળ જઈને બસ રોકીને એક આરોપી ગણેશ પિતળેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલી લીધો હતો અને હત્યાકેસના મુખ્ય સૂત્રધાર ઉમેશ મગર દહિસર (ઈસ્ટ)ના વૈશાલીનગરની ઝૂંપડપટ્ટીમાં છુપાયો હોવાની માહિતી આપી. ત્યાર બાદ પોલીસે વૈશાલીનગર જઈને તેની પણ ધરપકડ કરી હતી. બીજે દિવસે એ બન્ને આરોપીઓને સેલુ પોલીસને હવાલે કરાયા હતા. આમ મદદ માટેનો કૉલ મળતાં રેલવે પોલીસે રેલવે પરિસરમાં જ નહીં, આઉટ ઑફ વે જઈને તપાસ ચલાવી અને આખરે બન્ને આરોપીઓને ઝડપી લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

