માલિક ચિન્મય ગાંધીએ બુધવારે સાંજે ગામદેવી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
પ્રતીકાત્મક તસવીર
મલબાર હિલમાં ગોકુળ નિવાસ બંગલામાં કામ કરતી મહિલા બંગલામાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં ૧.૪૫ લાખ રૂપિયાની ચોરી કરતાં પકડાઈ ગઈ હતી. તેના માલિક ચિન્મય ગાંધીએ બુધવારે સાંજે ગામદેવી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચિન્મય તિજોરીમાં આશરે અઢી લાખ રૂપિયાની રોકડ રાખીને પરિવાર સાથે પુણે ગયો હતો. ત્યાંથી ઘરે પાછા આવીને તિજોરીમાં રાખેલા પૈસા બહાર કાઢવા જતાં આશરે ૧.૪૫ લાખ રૂપિયા ઓછા મળી આવ્યા હતા. અંતે ઘરમાં લાગેલા CCTV કૅમેરાનું ફુટેજ તપાસતાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.
CCTV કૅમેરાનું ફુટેજ સામે આવ્યા પછી પણ હાઉસ-હેલ્પે ચોરી કરી હોવાની કબૂલાત કરી નહોતી એટલે અમારે પોલીસમાં ફરિયાદ કરવી પડી હતી એમ જણાવતાં ચિન્મય ગાંધીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઑક્ટોબર મહિનાના અંતમાં તિજોરીમાં ૨.૫૦ લાખ રૂપિયાની રોકડ રાખવામાં આવી હતી. ત્યાર પછી અમારા પરિવારના કોઈ સભ્યએ પૈસાને હાથ લગાવ્યો નહોતો. આ ઉપરાંત મારો પરિવાર થોડા દિવસ માટે બહાર ફરવા પણ ગયો હતો. ચોથી નવેમ્બરે પૈસા જોઈતા હોવાથી તિજોરી ખોલી ત્યારે એમાં રાખેલા પૈસા ઓછા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વધુ તપાસ કરવામાં આવતાં કુલ ૧.૪૫ લાખ રૂપિયા ઓછા હોવાની ખાતરી થઈ હતી એટલે મેં મારા ઘરના અમુક ભાગમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. ત્યારે અમારા ઘરમાં કામ કરતી મહિલા પૈસા લઈ જતી હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટના બાદ અમે તેને પૈસા વિશે પૂછપરછ કરી હતી એટલું જ નહીં, તેને CCTV કૅમેરાનાં ફુટેજ વિશે પણ કહેવામાં આવ્યું હતું. જોકે તેણે કોઈ કબૂલાત કરી નહોતી એટલે આ ઘટનાની ફરિયાદ અમે પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. તે છેલ્લાં દસ વર્ષથી અમારા ઘરમાં કામ કરે છે. જો તેણે એ સમયે કબૂલ કરી દીધું હોત તો અમારે પોલીસમાં ફરિયાદ કરવાની જરૂર ન પડી હોત.’