ICUમાં દાખલ મહિલાનો વિનયભંગ કરવાના આરોપસર ગુજરાતી વૉર્ડબૉયની ધરપકડ
વિનયભંગના આરોપસર ધરપકડ કરાયેલો ઘાટકોપરની પંચોલી હૉસ્પિટલનો વૉર્ડબૉય રાકેશ રાઠોડ.
ઘાટકોપરના ગારોડિયાનગરમાં આવેલી એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં કામ કરતા ગુજરાતી વૉર્ડબૉયે આઇસીયુમાં સારવાર લઈ રહેલી ૨૩ વર્ષની પેશન્ટ પર બળાત્કારનો પ્રયાસ કરવાની ચોંકાવનારી ઘટના મંગળવારે બની હતી. આ મામલામાં પોલીસે વૉર્ડબૉયની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પેશન્ટ ભરઊંઘમાં હતી ત્યારે ચૂપચાપ તેને વૉર્ડબૉયે અડપલાં કરવાથી તે અચાનક જાગી ગઈ હતી અને બૂમાબૂમ કરતાં આઇસીયુની બહાર બેસેલી તેની બહેન આઇસીયુ વૉર્ડમાં દોડી આવી હતી અને આરોપીને રંગેહાથ પકડ્યો હતો. આ ઘટના બાદ હૉસ્પિટલે તાત્કાલિક ધોરણે વૉર્ડબૉય સામે પગલાં લઈને તેને નોકરીમાંથી મુક્ત કર્યો છે.
ચીસ શા માટે પાડી એમ પૂછતાં યુવતીએ કહ્યું હતું કે હૉસ્પિટલના કર્મચારીનાં કપડાં પહેરેલો એક યુવક તેને ક્ષોભજનક રીતે સ્પર્શ કરી રહ્યો હતો. આ સાંભળીને બધા ચોંકી ઊઠ્યા હતા. બધા એ સમયે હૉસ્પિટલના ઇન્ચાર્જ પાસે પહોંચ્યા હતા અને વૉર્ડબૉયની ફરિયાદ કરી હતી. બાદમાં કોઈકે પોલીસને જાણ કરતાં પંતનગર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ADVERTISEMENT
યુવતીની બહેને વૉર્ડબૉય રાકેશ રાઠોડ સામે વિનયભંગનો આરોપ કરતાં પોલીસે તેની સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. ફરિયાદી બહેન અને તેના સંબંધીઓ મહિલાઓના વૉર્ડમાં યુવક કેવી રીતે પહોંચ્યો, તેની સાથે કેમ કોઈ નર્સ કે મહિલા નહોતી એવા સવાલો પૂછી રહ્યાં છે.
પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુહાસ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી પેશન્ટનો વિનયભંગ કરવાની ચોંકાવનારી ઘટના પંચોલી હૉસ્પિટલમાં બની હતી. પેશન્ટની બહેને આરોપી વૉર્ડબૉય રાકેશ રાઠોડને રંગેહાથ પકડીને ફરિયાદ નોંધાવતાં અમે તેની ધરપકડ કરી હતી. ડૉક્ટરોએ હૉસ્પિટલમાં મહિલા દરદીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ જેથી આવી ઘટના ન બને.’
પંચોલી હૉસ્પિટલના માલિક ડૉ. બી. ઝેડ. પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ખૂબ જ આઘાતજનક ઘટના હોવાથી અમે તાત્કાલિક ધોરણે વૉર્ડબૉય રાકેશ રાઠોડને નોકરીમાંથી મુક્ત કર્યો છે. આઇસીયુ કે બીજા કોઈ પણ વૉર્ડમાં મહિલા દરદીઓની સુરક્ષા બાબતે પ્રોટોકૉલ પ્રમાણે તમામ વ્યવસ્થાનું પાલન કરવામાં આવે છે. આમ છતાં અહીં દરદી સાથે આવી ઘટના બન્યા બાદ અમે પીડિત યુવતી અને પોલીસની સાથે છીએ. ફરી આવો બનાવ ન બને એ માટેના પ્રયાસ પણ કરવામાં આવશે.’

