પોલીસે ૩૫ વર્ષના આરોપી સંદીપ ખોતની નાલાસોપારામાંથી ધરપકડ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
શનિવારે રાત્રે વસઈમાં મોડી રાતે કામ પરથી પરત ફરી રહેલી ૩૨ વર્ષની ગુજરાતી યુવતીના વિનયભંગની ઘટના બની છે. આ કેસમાં માણિકપુર પોલીસે ઘટનાની ગંભીરતા જોતાં ઝડપથી તપાસ હાથ ધરીને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાની મદદથી ૨૪ કલાકમાં આરોપીની ધરપકડ કરી છે.
શનિવારે રાત્રે દોઢ વાગ્યે તે હંમેશ મુજબ વસઈ રોડ સ્ટેશન પર ઊતરી અને તુંગારેશ્વર ગલી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ઇસમે તેને રોકી હતી. તેણે બળજબરીપૂર્વક તેનું મોઢું દબાવીને નીચે પાડી દઈને તેનો વિનયભંગ કર્યો હતો. એ બાદ તે યુવતીનો મોંઘો ફોન લઈ ફરાર થઈ ગયો હતો. યુવતીને જોરથી નીચે પાડી દીધી હોવાથી તે ઘાયલ થઈ હતી અને તેને નવઘરના આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. વસઈ-વેસ્ટના અંબાડી રોડ વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષની આ પીડિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે.
ADVERTISEMENT
પોલીસે ૩૫ વર્ષના આરોપી સંદીપ ખોતની નાલાસોપારામાંથી ધરપકડ કરી હતી. તેની સામે મુંબઈમાં પણ છેતરપિંડીનો કેસ છે. માણિકપુર પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી રાજુ માનેએ જણાવ્યું કે અમે ફરિયાદ નોંધીને આ કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.