સસ્તામાં ગોલ્ડ કૉઇન આપવાના બહાને બિઝનેસમૅન સાથે 65 લાખની છેતરપિંડી
પ્રતીકાત્મક તસવીર
થાણેની એક સૉફ્ટવેર ડેવલપમેન્ટ ફર્મના માલિકને સસ્તામાં ગોલ્ડ કૉઇન આપવાનું કહીને તેને ૬૫ લાખ રૂપિયામાં છેતરવા બદલ ૩ ભાઈ-બહેનની સામે થાણેના કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જોકે ઘટના અલીબાગથી મુંબઈ બોટમાં આવતી વખતે બની હતી એથી એ કેસ હવે માંડવા પોલીસને ટ્રાન્સફર કરાયો છે.
પોલીસે આ બનાવ વિશે કહ્યું હતું કે ‘આ કેસના ફરિયાદી ૨૬ ફેબ્રુઆરીએ અલીબાગથી બોટમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે જ પ્રવાસ કરી રહેલા યુવાને - જેણે પોતાનું નામ કલ્પેશ પ્રજાપતિ કહ્યું હતું - ફરિયાદીનો સંપર્ક કરીને કહ્યું કે મારી પાસે ૧.૩૫ ગ્રામનો એક એવા સોનાના ૧૦૦ સિક્કા છે, મારે હાલમાં પૈસાની બહુ જરૂર હોવાથી એ કાઢી નાખવા છે, જો તમને ઇન્ટરેસ્ટ હોય તો કહો. તેની વાતોમાં આવી ગયેલા ફરિયાદીએ તેને કહ્યું કે સિક્કા ચેક કરીને લઈશ. ત્યાર બાદ આરોપીએ તેને સિક્કો આપ્યો હતો જે તેણે પોતાની રીતે ચેક કરાવતાં એ સાચો અને આરોપીએ કહેલા વજનનો જ નીકળ્યો હતો. એથી તેમણે બધા જ સિક્કાના ૬૫ લાખ રૂપિયા કલ્પેશ પ્રજાપતિ, તેના ભાઈ મહેશ પ્રજાપતિ અને તેની બહેનને થાણેમાં ચૂકવ્યા હતા. જોકે એ પછી જ્યારે ફરી સિક્કા ચેક કરાવ્યા ત્યારે એ સિક્કા સોનાના નહીં પણ સોનાના ગિલેટ કરાયેલા હોવાનું જણાઈ આવતાં તેમણે થાણેની કાપુરબાવડી પોલીસ-સ્ટેશનમાં એ બાબતે ફરિયાદ કરી હતી. જોકે કેસની શરૂઆત બોટ પર થઈ હોવાથી એ કેસ હવે માંડવા પોલીસને ટ્રાન્સફર કરાયો છે.’

