આખા રાજ્યમાં કોરોનાના કેસ દિવસ ને દિવસે વધી રહ્યા છે ત્યારે થાણે મહાનગરપાલિકાની બાલકુમ નજીક આવેલી ગ્લોબલ હૉસ્પિટલના એક ડૉક્ટરની ધરપકડ કાસરવડવલી પોલીસે કરી છે.
થાણેની કોવિડ હોસ્પિટલ
આખા રાજ્યમાં કોરોનાના કેસ દિવસ ને દિવસે વધી રહ્યા છે ત્યારે થાણે મહાનગરપાલિકાની બાલકુમ નજીક આવેલી ગ્લોબલ હૉસ્પિટલના એક ડૉક્ટરની ધરપકડ કાસરવડવલી પોલીસે કરી છે. ડૉક્ટર સામે આરોપ મુકાયો હતો કે તેણે દરદીને ઍડ્મિટ કરવા માટે દોઢ લાખ રૂપિયા લીધા હતા. કાસરવડવલી પોલીસે ડૉક્ટર સાથે અન્ય ચાર લોકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યા અનુસાર નાલાસોપારામાં રહેતા દિલીપ બાબરને કોરોના થતાં તેમના ઇલાજ માટે વસઈ-વિરારમાં આઇસીયુ બેડ ઉપલબ્ધ ન થતાં તેમના પુત્ર પ્રવીણ બાબરની ઓળખ ગ્લોબલ હૉસ્પિટલના ડૉક્ટર અલી પરવેઝ સાથે થઈ હતી. તેણે પ્રવીણને કહ્યું હતું કે તારા પિતા માટે હું ગ્લોબલ હૉસ્પિટલમાં આઇસીયુ બેડની વ્યવસ્થા કરી આપું છું, પણ એ બદલ તારે મને દોઢ લાખ રૂપિયા આપવા પડશે. પ્રવીણે પિતાની ચિંતામાં ડૉક્ટરે કહેલા માણસને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ દિલીપ બાબરને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની થાણેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓને જાણ થઈ હતી અને તેમણે તરત પાલિકાના કમિશનરને મળીને આ બાબતના પુરાવા રજૂ કર્યા હતા. ત્યાર બાદ આ બાબતની તપાસ કરીને પોલીસે હૉસ્પિટલમાં કાર્યરત ડૉક્ટર પરવેઝ સામે કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના થાણેના અધ્યક્ષ અવિનાશ જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિષય ખૂબ ગંભીર હતો. પાલિકા હસ્તગત ચાલતી હૉસ્પિટલમાં લોકો પાસે પૈસા લઈને ઇલાજ કરાય છે. આ ઘટના મારી સામે આવતાં મે તરત પોલીસને પત્ર લખ્યો હતો. તેમણે તરત જ કાર્યવાહી કરીને ડૉક્ટર પરવેઝ અને આ કામમાં તેમને મદદ કરતા અન્ય ચાર સાથી નાઝનીન શેખ, કબીર ખાન, તાજ શેખ, અબદુલ ઝાકિર ખાનની ધરપકડ કરી હતી.’
કાસરવડવલી પોલીસ-સ્ટેશનના એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘મુખ્ય આરોપીની ગુરુવારે મોડી રાતે હૉસ્પિટલમાંથી ધરપકડ કરી હતી. તેની સાથે પૈસા લેવામાં સામેલ ચાર આરોપીઓની ગઈ કાલે ધરપકડ કરી છે. બીજા ડૉક્ટરોની પણ ગઈ કાલે પૂછપરછ કરવામાં આવી હતી.’