ફરિયાદ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાં વાડેકર વિસ્તારમાં રહેતા સુરેશ પાટીલના ઘરે ગણપતિનાં દર્શન કરવા આવેલા વ્યંડળોના એક ગ્રુપે બાપ્પાની મૂર્તિ નજીક રાખેલા ૧૫ તોલા દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ખડકપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધાઈ હતી. સુરેશના ઘર નજીક આવેલા વ્યંડળોના એક ગ્રુપે તેની માતા પાસે ૨૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એને બદલે તેમણે ૨૦૦ રૂપિયા આપતાં તેમણે ગણપતિનાં દર્શન કરવા ઘરમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હતો.
ગણપતિબાપ્પા પાસે સોનું રાખવાનું શુભ ગણાતું હોવાથી સુરેશે તેની પત્ની અને માતાના દાગીના બાપ્પા પાસે રાખ્યા હતા એમ જણાવતાં ખડકપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અમરનાથ વાઘમોળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે બપોરે પાંચ વ્યંડળોનું ગ્રુપ સુરેશના ઘરે આવ્યું હતું. તેમણે ઘરે ગણપતિ લીધા છે એ ખુશીની વાત છે એમ કહીને ૨૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. એ સમયે સુરેશની માતા ઘરે હતી. તેણે તેમના હાથમાં ૨૦૦ રૂપિયા આપ્યા હતા. એ લીધા બાદ પાંચેપાંચ વ્યંડળો સુરેશના ઘરમાં પ્રવેશ્યા હતા. તેમણે બાપ્પાની મૂર્તિનાં દર્શન કરતી વખતે મૂર્તિ નજીક રાખેલા દાગીના સેરવીને પોતાની પાસે રાખી લીધા હતા અને ત્યાર બાદ દર્શન કરી પ્રસાદ લઈને ઘરની બહાર નીકળી ગયા હતા. સાંજે સુરેશ બાપ્પાની પૂજા કરી રહ્યો હતો ત્યારે તેણે મૂર્તિ નજીક રાખેલા દાગીના ન દેખાતાં વધુ તપાસ કરતાં એ ચોરાયા હોવાનું સમજાયું હતું. અંતે અમારી પાસે ફરિયાદ નોંધાતાં અમે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.’