મુલુંડના ગુજરાતી પરિવાર સાથે બનેલા આ બનાવમાં બંધ ઘરમાંથી મંગળસૂત્ર, કાનનાં બુટિયાં, વીંટી અને સોનાના સિક્કાની સાથે ૧.૫૮ લાખ રૂપિયાની રોકડ મળીને સાડાચાર લાખ રૂપિયાની માલમતાની ચોરી
અજંતા બિલ્ડિંગમાં રહેતાં જયશ્રી રાજગોરને ત્યાં ચોરી થઈ હતી
મુલુંડ-વેસ્ટમાં આવેલા અજંતા બિલ્ડિંગમાં રહેતાં ૫૧ વર્ષના જયશ્રી રાજગોર શુક્રવારે બપોરે એક ઝઘડાની ફરિયાદ નોંધાવવા પોલીસ-સ્ટેશન પર ગયાં ત્યારે તેમના ઘરમાંથી આશરે સાડાચાર લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાની ફરિયાદ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં શુક્રવારે નોંધાઈ હતી. જયશ્રીબહેનનો જેની સાથે ઝઘડો થયો હતો તેને બોલાવીને પોલીસે સુલેહ કરાવી આપી હતી. એ પતાવીને જયશ્રીબહેન ઘરે પહોંચ્યાં ત્યારે ઘરમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. પોલીસ નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે આરોપીને ઓળખવાની કોશિશ કરી રહી છે.
અમને જેના પર શંકા છે તેની માહિતી અમે પોલીસને આપી છે એમ જણાવતાં જયશ્રીબહેનના પુત્ર પૂર્વેશ રાજગોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી એક જગ્યાના વેચાણ બાબતમાં એસ્ટેટ એજન્ટ શુભમ બંગાલી સાથે કોઈ વાતે રકઝક થવાથી એની ફરિયાદ કરવા હું, મારી મમ્મી અને મારો નાનો ભાઈ શુક્રવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મુલુંડ પોલીસ-સ્ટેશનમાં ગયાં હતાં. ત્યાં પોલીસે મધ્યસ્થી કરવી આપતાં અમે ત્રણ ઘરે પાછાં આવ્યાં ત્યારે ઘરના મેઇન ગેટના દરવાજાની કડી તૂટેલી હતી. અંદર જઈને તપાસ કરતાં બેડરૂમમાં રાખેલો કબાટ તૂટેલી હાલતમાં હતો. એની અંદર રાખેલું મંગળસૂત્ર, કાનનાં બુટિયાં, વીંટી અને સોનાના સિક્કાની સાથે ૧.૫૮ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ હોવાની ખાતરી થઈ હતી. ત્યાર બાદ અમે તાત્કાલિક આ ઘટનાની જાણ મુલુંડ પોલીસને કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ચોરી પાછળ અમને જેના પર શંકા છે એની માહિતી અમે પોલીસને આપી છે.’
ADVERTISEMENT
મુલુંડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, જે બિલ્ડિંગમાં ચોરી થઈ છે એમાં વૉચમૅન નથી અને CCTV કૅમેરા પણ નથી એટલે આરોપીની ઓળખ કરવા અમે નજીકના વિસ્તારોમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદીએ જેની સામે શંકા વ્યક્ત કરી છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. એની સાથે આ ચોરીમાં બીજા કોનું ઇન્વૉલ્વમેન્ટ છે એ જાણવાની કોશિશ પણ કરી રહ્યા છીએ.