નંદુરબારમાં સુપારી લઈને હત્યા કર્યા પછી ફરાર થઈ ગયેલા ચાર આરોપીઓ બોરીવલીથી પકડાયા
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ
નંદુરબારમાં પારિવારિક વિવાદને કારણે ૫૩ વર્ષના સસરા રાજેન્દ્ર મરાઠેની તેના જમાઈએ હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સસરાની હત્યા માટે જમાઈ ગોવિંદ સોનારે આરોપીઓને ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. આ હત્યા બાદ સુરત થઈને બોરીવલીના ગોરાઈ વિસ્તારમાં આવેલા ચારેય આરોપીઓની કાંદિવલી યુનિટના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ધરપકડ કરી છે. એમાં બે સગીરોનો સમાવેશ થાય છે. ધરપકડ બાદ આ ચાર જણને આગળની કાર્યવાહી માટે નંદુરબાર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા છે. તેમની વચ્ચે પારિવારિક ઝઘડો થયો હોવાથી કેટલાક દિવસોથી આ વિવાદ ચાલી રહ્યો હતો. હત્યાના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યા બાદ ચારેય જણ નંદુરબારથી સુરત ભાગી ગયા હતા, પરંતુ ધરપકડના ડરથી તેઓ બોરીવલી આવ્યા હતા અને ત્યાંથી ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે ચાર આરોપીઓ પાસેથી રાજેન્દ્રનો મોબાઇલ ફોન, અન્ય ચાર મોબાઇલ ફોન અને ૪૫,૩૩૦ રૂપિયાની રોકડ જપ્ત કર્યાં છે.