આરોપી બૅન્કના કેવાયસી અપડેટ કરવાના નામે એકના ખાતામાંથી બે લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી
સાઇબર ઠગને પોલીસ ઝારખંડમાંથી ફિલ્મી સ્ટાઇલમાં પકડીને લાવી હતી
બોરીવલી પોલીસે ઝારખંડમાંથી એક સાઇબર ઠગની ધરપકડ કરી છે. પોલીસે તેને ફિલ્મી સ્ટાઇલમાં અડધો કિલોમીટર સુધી ભાગ્યા બાદ પકડી પાડ્યો હતો. આ આરોપી બૅન્કના કેવાયસી અપડેટ કરવાના નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો. બોરીવલીના એક રહેવાસીએ બોરીવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બૅન્કના કેવાયસી અપડેટ કરવાના નામે તેના ખાતામાંથી બે લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી, જે બાદ બોરીવલી પોલીસે સાઇબર ફ્રૉડનો કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી હતી.
આ વિશે બોરીવલી પોલીસ સ્ટેશનના એક પોલીસ ઇન્સ્પેક્ટરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટેક્નિકલ પુરાવાના આધારે અને બાતમીદાર પાસેથી મળેલી માહિતીની મદદથી આરોપી ઝારખંડનો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીનો જે મોબાઇલ હતો એ સવારે ચાલુ થતો અને એ બાદ સ્વિચ ઑફ થઈ જતો હતો. વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવીને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કલ્યાણ પાટીલે સ્થાનિક પોલીસની મદદથી ગામ બરદ ડુબ્બા, જિલ્લા દેવઘર, ઝારખંડમાં દરોડો પાડ્યો હતો. છાપો મારીને પોલીસની ટીમે ૨૧ વર્ષના આરોપી હુસૈન અજગર અલી અંસારીને પકડી પાડ્યો હતો. એ વખતે તે ૧૪ મોબાઇલ ફોન લઈને બેઠો હતો. પોલીસને જોઈને તે નાસી જવાની તૈયારીમાં હતો ત્યારે સબ-ઇન્સ્પેક્ટર કલ્યાણ પાટીલની ટીમે ફિલ્મી સ્ટાઇલમાં અડધો કિલોમીટર દોડ્યા બાદ આરોપી હુસૈન અંસારીની ધરપકડ કરી હતી.’
ADVERTISEMENT
વધુ માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે ‘પોલીસે આરોપીની તપાસ કર્યા બાદ તેના કબજામાંથી ૧૪ મોબાઇલ અને સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. ફરિયાદીના ખાતામાંથી આરોપી દ્વારા ટ્રાન્સફર કરાયેલા બે લાખ રૂપિયામાંથી એક લાખ રૂપિયા આઇસીઆઇસીઆઇ બૅન્કની કલકત્તા બ્રાન્ચમાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. બોરીવલી પોલીસ આરોપીની તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં કેટલા લોકો સામેલ છે અને અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.’