સ્કૂલમાં સગીર કિશોરીઓ પાસે માલિશ કરાવીને અશ્લીલ હરકત કરતો હોવાનો ગંભીર આરોપ
આરોપી ટીચર જેમ્સ જોસેફ શેરાવ
થાણે જિલ્લાના અંબરનાથ-વેસ્ટમાં આવેલા વાંદ્રાપાડા પરિસરમાં એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલનો જેમ્સ જોસેફ શેરાવ નામનો ટીચર સાતથી ૧૪ વર્ષની સગીર વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરવાની સાથે તેમની પાસે માલિશ કરાવતો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. શોષણનો ભોગ બનનારી કેટલીક વિદ્યાર્થિનીઓએ સ્કૂલમાં જવાનું બંધ કરી દીધું હતું. તેમને કારણ પૂછવામાં આવતાં તેમણે માતા-પિતાને ટીચરની હરકતો જણાવી હતી. આથી વાલીઓએ પોલીસને જાણ કરી હતી. અંબરનાથ-વેસ્ટ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપી ટીચર ઘણા સમયથી સ્કૂલની વિદ્યાર્થિનીઓનું શારીરિક શોષણ કરતો હતો અને તેમની પાસે સ્કૂલમાં જ શરીર પરનાં તમામ કપડાં કાઢીને માલિશ કરાવતો હતો. આરોપી ટીચર માલિશ કરતી સ્ટુડન્ટ્સનો વિડિયો પણ બનાવતો હતો અને કોઈને આ બાબતની જાણ કરી તો વિડિયો જાહેર કરી દેવાની ધમકી આપતો હતો. આરોપી ટીચર સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. કોર્ટમાં આરોપીની ૧૦ ડિસેમ્બર સુધી રિમાન્ડ મેળવીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.