મુંબઈ: ચાર મહિનાના બાળકને ચાર લાખ રૂપિયામાં વેચી દેવાયું!
પોલીસે આરોપી પાસેથી મુક્ત કરાયેલા બાળકને તેની માતાને સોંપ્યું હતું.
જુહુથી માત્ર ચાર મહિનાના બાળકનું અપહરણ કરીને તેને તેલંગણ રાજ્યમાં ૪ લાખ રૂપિયામાં વેચી દેનાર આરોપી ત્રિપુટીને જુહુ પોલીસે તંલગણ જઈ ઝડપી લીધી છે અને એ બાળકને સુખરૂપ છોડાવી લીધું છે.
બાળકના અપહરણની આ ઘટના જુહુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૧૧ નવેમ્બરે બુધવારે બની હતી. ગરીબ પરિવારના એ બાળકને તેનો પરિવાર સૂતો હતો ત્યાંથી ચૂપચાપ ઉપાડી લઈને તેનું અપહરણ કરાયું હતું. પરિવારે પહેલાં બાળકની શોધખોળ કરી હતી, પણ ક્યાંય ન મળતાં જુહુ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
જુહુના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પંઢરીનાથ વાહ્વળની દેરવણી હેઠળ એ બાળકને શોધી કાઢવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમના અધિકારીઓએ સીસીટીવી કૅમેરા ફુટેજની ચકાસણી કરી હતી અને ત્યાર બાદ ખબરી નેટવર્કનો સહારો લઈ તપાસ શરૂ કરી હતી. એ તપાસ અંતર્ગત મળેલી માહિતીના આધારે સપ્રુનગર જિલ્લામાં બોગીર, નાલગોંડામાંથી મંગળવારે ત્રણ આરોપીને ઝડપી લઈ બાળકને બચાવી લેવાયું હતું. આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કહ્યું હતું કે બાળકને તેમણે ૪ લાખ રૂપિયામાં વેચ્યું હતું. આરોપીઓ સામે જુહુ પોલીસે ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. જુહુ પોલીસની આ ઝડપી કાર્યવાહીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી.

