મુંબઈમાં કૉન્ગ્રેસનું ૧૦૦ દિવસ માઝી મુંબઈ માઝી કૉન્ગ્રેસ અભિયાન
મંગળવારે પાર્ટી કાર્યાલય ખાતે બેઠક દરમિયાન કોંગ્રેસના નેતાઓ
બે વર્ષ બાદ યોજાનારી મુંબઈ મહાનગરપાલિકાની ૨૨૭ બેઠકોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસે ૧૦૦ દિવસના ‘માઝી મુંબઈ માઝી કૉન્ગ્રેસ’ અભિયાન હાથ ધરવાનો નિર્ણય લીધો છે. અખિલ ભારતીય કૉન્ગ્રેસ કમિટીના મહારાષ્ટ્રનો અખત્યાર સંભાળતા મહામંત્રી એચ. કે. પાટીલે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આ અભિયાન હાથ ધરીને પક્ષ શ્રેષ્ઠીઓ નાગરિકોની સમસ્યાઓ તેમ જ પક્ષના કાર્યકરોની સમસ્યાઓ જાણી શકશે. મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ મિશનના રૂપમાં આ અભિયાન હાથ ધરશે. સામાન્ય કાર્યકરો તથા પક્ષના સમર્થકો સુધી પહોંચવા માટે પદયાત્રાઓ યોજવામાં આવશે. અમે પક્ષનો વ્યાપ વધારવા સક્રિય બનીશું.’
ગઈ કાલે એચ. કે. પાટીલ અને મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના નવા પ્રમુખ ભાઈ જગતાપના વડપણમાં યોજાયેલી બેઠકમાં શહેરમાં કૉન્ગ્રેસના વર્ચસ્વના ભૂતકાળ અને ભાવિ શક્યતાઓની ચર્ચાવિચારણા કરવામાં આવી હતી. ભાઈ જગતાપે જણાવ્યું હતું કે ‘એક વખત એવો હતો કે મુંબઈ મહાનગરપાલિકાની કોઈ પણ ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૭૦-૮૦થી ઓછી બેઠકો મળતી નહોતી, પરંતુ ૨૦૧૭ની ચૂંટણીમાં માત્ર ૩૧ બેઠકો મળી. આપણે પક્ષના સામાન્ય કાર્યકરોની લાગણીઓ સમજવી જોઇએ. એ ૧૦૦ દિવસોના ‘માઝી મુંબઈ માઝી કૉન્ગ્રેસ’ અભિયાનમાં એ ચૂંટણીના ઉમેદવારોની જીતવાની શક્યતાઓનો ક્યાસ પણ કાઢવામાં આવશે. અમે પક્ષના મોવડી મંડળ માટે અહેવાલ તૈયાર કરીને કોઈ પણ પક્ષ જોડે ગઠબંધન વગર ૨૨૭ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવા સમજાવીશું. અમારા ઘણા કાર્યકરો નારાજ થઈને બીજેપીમાં જોડાયા છે, પરંતુ તે બધા ત્યાં ખુશ નથી.’
ADVERTISEMENT
મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના કાર્યકારી પ્રમુખ ચરણસિંહ સપરાએ જણાવ્યું હતું કે ‘મહાવિકાસ આઘાડી અને મુંબઈ મહાનગરપાલિકા રાજકીય દૃષ્ટિએ અલગ છે. અત્યારે મુંબઈ મહાનગરપાલિકામાં અમે વિરોધ પક્ષ છીએ અને નાગરિકોની સમસ્યાઓના નિરાકરણમાં જ્યાં શિવસેના નિષ્ફળ જશે ત્યાં અમે વિરોધ કરીશું. કૉન્ગ્રેસ જવાબદારીભર્યો રાજકીય પક્ષ છે.’

