ઇન્ટરેસ્ટના અભાવે બેસ્ટના કૉમન મોબિલિટી કાર્ડની ચાલતી વણથંભી ટ્રાયલ્સ
કૉમન મોબિલિટી કાર્ડ અમલમાં મુકાય તો પ્રવાસીઓ એની મદદથી કોઈ પણ બસમાં ગમે ત્યારે પ્રવાસ કરી શકશે. ફાઇલ-ફોટોગ્રાફ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપ્તાહના પ્રારંભમાં દિલ્હીમાં નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ લૉન્ચ કર્યું ત્યાર બાદ એનો અમલ કરવા જઈ રહેલી મુંબઈની ટ્રાન્સપોર્ટર બેસ્ટની ટ્રાયલ પૂરી થવાનું નામ જ નથી લેતી. ટેક્નૉલૉજીની બાબતમાં બેસ્ટ નિષ્ફળ રહ્યું છે. એણે ઘણા આઇડિયા અને ટેક્નૉલૉજી અજમાવી જોયાં છે, પણ રસ તથા નિપુણતાના અભાવે સફળતા મળી નથી. બેસ્ટના ગણ્યાગાંઠ્યા અધિકારીઓ એને ચલાવવા માટે અને રાજનેતાઓના દબાણનો સામનો કરવા માટે સંઘર્ષ કરતા રહે છે એમ એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું.
લંડનના ઓઇસ્ટર કાર્ડની માફક નૅશનલ કૉમન મોબિલિટી કાર્ડ ટ્રેન તથા જાહેર પરિવહનના તમામ પ્રકારોમાં વાપરી શકાય છે. પ્રથમ તબક્કામાં બેસ્ટના ૧૦,૦૦૦થી વધુ કન્ડક્ટરોને મોબિલિટી કાર્ડ સ્કૅન કરવા માટેનું ડિવાઇસ આપવામાં આવશે જેને પગલે કાર્ડધારક કોઈ પણ સમયે કોઈ પણ બસમાં મુસાફરી કરી શકશે.
ADVERTISEMENT
બેસ્ટ અન્ડરટેકિંગ વર્ષોથી બસ-સ્ટૉપ પર પૅસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ અને ડિજિટલ ડિસ્પ્લે પર કાર્ય કરી રહી છે, પણ એમાં એને ખાસ સફળતા મળી નથી અને હવે મહત્ત્વાકાંક્ષી કૉમન મોબિલિટી કાર્ડ પણ ટેસ્ટ અને ટ્રાયલના વણથંભ્યા ચક્રમાં ફસાયું છે.
મોબિલિટી કાર્ડ પ્રોજેક્ટનું નિરાશાજનક પાસું એ છે કે ચાલી રહેલી ટ્રાયલ્સ વિશે કોઈને જાણ હોય એમ લાગતું નથી. બેસ્ટના ચૅરમૅન પ્રવીણ શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાર્ડની ટ્રાયલ ચાલી રહી છે અને અમે પ્રતિભાવ માટે વધુ પ્રતિક્રિયાઓની રાહ જોઈ રહ્યા છીએ. એક વખત પ્રતિભાવ મળી જાય ત્યાર બાદ કામગીરી આગળ વધશે. જોકે હું કહી શકું છું કે કાર્ડ ૨૦૨૧માં કાર્યરત થઈ જશે.’

