આગામી ચાર દિવસ હળવા વરસાદની સાથે વાદળછાયું આકાશ રહેવાની હવામાન વિભાગે કરી આગાહી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
આવતી કાલે ધુળેટીમાં મુંબઈગરાઓને ગરમીથી રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ આકાશ વાદળછાયું રહેવાની સાથે છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉનાળાની સત્તાવાર રીતે હજી શરૂઆત નથી થઈ ત્યાં પડી રહેલી સખત ગરમી વચ્ચે વાદળાં અને વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. અત્યારે મુંબઈમાં ઍર ક્વૉલિટી ખરાબ છે ત્યારે વરસાદ પડશે તો એમાં પણ સુધારો થવાની શક્યતા છે.
હવામાનમાં અચાનક આવેલા ફેરફારથી મુંબઈ સહિત આસપાસના વિસ્તારો અને રાજ્યના અહમદનગર અને સંભાજીનગરમાં આગામી ચાર દિવસમાં ગરમીથી રાહત મળી શકે છે. આ ચાર દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે ગઈ કાલે વ્યક્ત કરી હતી. આથી મુંબઈમાં અત્યારે સામાન્ય કરતાં ચારેક ડિગ્રી વધુ નોંધાઈ રહેલા તાપમાનમાં થોડો ઘટાડો થશે અને લોકોને ગરમીમાં રાહત મળી શકે છે.
ADVERTISEMENT
ધુળેટીમાં રંગોની સાથે પાણીનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરાતો હોય છે એટલે જો આ સમયે વરસાદ પડશે તો રંગરસિયાઓને મજા પડી જશે.
વેધશાળાના અધિકારીના જણાવ્યા મુજબ બે દિવસથી મુંબઈમાં સાંજના સમયે આકાશમાં વાદળો છવાઈ રહ્યાં છે. પશ્ચિમ તરફના ફૂંકાઈ રહેલા પવનને લીધે અત્યારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પરિણામે હળવો વરસાદ પડી શકે છે. આગામી ચારેક દિવસ આવું વાતાવરણ રહેશે. જોકે બાદમાં તાપમાન અને હ્યુમિડિટીમાં ફરી વધારો થશે.
મુંબઈમાં ગરમી વધવાની સાથે હવાની ક્વૉલિટીને ગંભીર અસર પહોંચી છે. અત્યારે મુંબઈમાં સરેરાશ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ૨૮૮થી ૧૭૭ વચ્ચે નોંધાઈ રહ્યો છે, જે ખરાબ ગણાય. વરસાદ પડે ત્યારે હવામાં ઊડતી રજકણો જમીન પર આવી જાય છે એટલે હવા શુદ્ધ બને છે. આથી આગામી ચાર દિવસમાં જો હવામાનની આગાહી મુજબ વરસાદ પડશે તો ગરમીમાં રાહત મળવાની સાથે હવામાં પણ સુધારો થશે.
પાલઘર જિલ્લામાં વરસાદ પડ્યો
આગામી ચાર દિવસમાં વરસાદ થવાની આગાહી વચ્ચે શનિવારે મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના જવ્હાર, વિક્રમગઢ અને મોખાડા તાલુકાઓમાં શનિવારે મોડી સાંજે અને રાત્રે હળવો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અચાનક પડેલા કમોસમી વરસાદને લીધે અહીંનાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન થયું હોવાની શક્યતા છે એટલે સ્થાનિક ખેડૂતોએ ખેતીને થયેલા નુકસાનનું પંચનામું કરવાની માગણી કરી છે.
220
મુંબઈમાં સરેરાશ ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ આટલો નોંધાઈ રહ્યો છે, જે ખરાબ ગણાય.