Mumbai : અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજે વાઘના નખનો ઉપયોગ કર્યો હતો. આ વાઘના નખ માત્ર ત્રણ વર્ષ માટે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાંથી લોન પર મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ
Mumbai : અફઝલ ખાનને મારવા માટે છત્રપતિ શિવાજી મહારાજે વાઘના નખ (Wagh Nakh)નો ઉપયોગ કર્યો હતો. આ જ વાઘના નખ હવે મહારાષ્ટ્ર સરકારને સોંપવામાં આવશે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજ્યના સાંસ્કૃતિક વિભાગે આ અઠવાડિયે જારી કરેલા GRમાં જણાવ્યું હતું કે શિવાજી મહારાજે વપરેલા એ વાઘના નખ (Wagh Nakh) માત્ર ત્રણ વર્ષ માટે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાંથી લોન પર મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે.
આ સાથે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે આ મૂલ્યવાન શસ્ત્રને ચાર સંગ્રહાલયોમાં રાખવામાં આવશે - મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આર્ટિફેક્ટ્સ મ્યુઝિયમ, સતારામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આર્ટિફેક્ટ્સ મ્યુઝિયમ, નાગપુરમાં સેન્ટ્રલ મ્યુઝિયમ અને કોલ્હાપુરમાં લક્ષ્મી વિલાસ પેલેસમાં. આ ચાર મ્યુઝિયમમાં રાખવાને કારણે હવે સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે.
ADVERTISEMENT
પ્રાપ્ત અહેવાલો અનુસાર લંડનથી વાઘના નખ (Wagh Nakh)ને પરત લાવવા માટે સુરક્ષા અને પરિવહન વ્યવસ્થાની યોજના બનાવવા માટે રાજ્ય સરકારે 11 સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિ રાજ્યમાં વાઘના નખના પ્રદર્શન અને જાહેર કાર્યક્રમો માટેની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપશે.
સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવેમ્બરમાં વાઘના નખ મુંબઈ (Mumbai) લાવવામાં આવશે. મુનગંટીવાર યુનાઇટેડ કિંગડમની મુલાકાત લેશે અને 3 ઓક્ટોબરે વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે.
મુનગંટીવારે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ આ એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે લંડન જવાના છે. પરંતુ શિંદેએ તાજેતરમાં જ તેમનો અઠવાડિયાનો યુકે અને જર્મની પ્રવાસ રદ કર્યો હતો.
જે 11 સભ્યોની સમિતિ તૈયાર કરવામાં આવી છે તે સમિતિના અધ્યક્ષ વિકાસ ખડગેને રાખવામાં આવ્યા છે જેઓ રાજ્યના સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ છે. આ ઉપરાંત આ સમિતિમાં સરકારી અધિકારીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ મહાનિર્દેશક, પોલીસ કમિશ્નર મુંબઈ અને નાગપુર, રાજ્ય પુરાતત્વ નિયામક અને સંગ્રહાલયના નિયામક તેજસ ગર્ગે પણ સમિતિમાં સામેલ છે.
વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં મ્યુઝિયમના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે મુંબઈ (Mumbai) અને અન્ય સ્થળોના વાઘ નખ (Wagh Nakh)ના પ્રદર્શનથી શસ્ત્રોના ઈતિહાસમાં નવા સંશોધનની શરૂઆત થશે. “અમે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે મહારાષ્ટ્ર સરકારના વરિષ્ઠ નેતૃત્વનું સ્વાગત કરવા આતુર છીએ. જોકે, આ વાઘ નખ એ તો અફઝલ ખાન પર છત્રપતિ શિવાજી મહારાજના વિજયનું પ્રતિક છે. એની પાછળ જે ગાથા છે તે ઐતિહાસિક છે. શિવાજી મહારાજની 350મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે વાઘના નખ ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. અમે મહારાષ્ટ્ર સરકાર સાથે ભાગીદારીમાં કામ કરવા આતુર છીએ”